લીલી નાઘેરના ખેડૂતો ખુશખુશાલ, કોડીનાર-તાલાળા સુગરમિલ ફરી ધમધમતી થશે

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લામાં બે બંધ સુગર ફેક્ટરીને ફરી ધમધમતી કરવાના સરકારના પ્રયાસને સફળતા મળતા શેરડી પકવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ધરતીપુત્રોમાં સુગર ફેક્ટરી પરિવર્તન લાવશે.
ગીર સોમનાથ જિલ્લો કેસરી સિંહ-કેસર કેરીથી જગ વિખ્યાત છે. ગ્રીન બેલ્ટ ગણાતા કોડીનાર અને તાલાળા પંથકમાં એક સમયે શેરડીનું વાવેતર પણ પુષ્કળ પ્રમાણમાં થતું હતું. જેનો સીધો ફાયદો પણ ખેડૂતોને મળતો હતો, પરંતુ એકસાથે તાલાળા, કોડીનાર અને ઉનાની સુગર ફેક્ટરી એકાએક બંધ થતા ખેડૂતો શેરડીનો પાક ઓછો લેતા થયા હતા. કારણ કે તેમને પોષણક્ષમ ભાવ મળતો ન હતો. શેરડી પકવતા ખેડૂતોએ મહેનતે ઉગાવેલી શેરડી ગોળના રાબડામાં અથવા તો ચારા માટે આપવી પડતી હતી. પરંતુ યોગ્ય ભાવ મળતા નહીં. હવે જ્યારે કોડીનાર અને તાલાળા સુગરમિલ ફરી શરૂ થવા જઈ રહી છે, ત્યારે ખેડૂતોને મોટી આશ બંધાઈ છે.
મધ મીઠી શેરડી માટે લીલી નાઘેર ગણાતા તાલાળામાં હિરણ નદી અને કોડીનાર પંથકમાં શીંગવડા નદીનાં મીઠા પાણીને કારણે આ વિસ્તારમાં શેરડીનો મબલખ પાક થતો હતો. પરંતુ સુગર ફેક્ટરીઓ બંધ થતાં ખેડૂતોને પરાણે ગોળનાં રાબડામાં જ શેરડી આપવી પડતી હતી. જેમાં તેને યોગ્ય ભાવ મળતો ન હોવાથી મહેનત માથે પડતી હતી. તેથી ખેડૂતો અન્ય પાક તરફ વળ્યા હતા. એક સમયે એક વીઘામાં 20 ટન જેટલો શેરડીનો ઉતારો આવતો હતો. સમયાંતરે વાતાવરણની વિષમતાને કારણે શેરડીમાં પણ અનેક રોગ આવતા હોવાથી શેરડીનો ઉતારો ઘટ્યો હતો. માંડ 10થી 12 ટન શેરડી એક વીઘામાં ઉત્પાદિત થાય છે. ત્યારે ખેડૂતોને ઉત્પાદનની સામે યોગ્ય વળતર મળતું નથી. તેવી ખેડૂતોની રાવ છે.
ગીરની બે સુગરમિલોને પુનઃજીવિત કરવાની સરકારે બાંહેધરી લીધી છે અને તાજેતરમાં આઈપીએલ (ઇન્ડિયન પોટાશ લિમિટેડ કંપની) જે સરકાર સંચાલિત છે. તેના દ્વારા કોડીનાર અને તાલાળાની બંધ સુગર મિલોને ફરી ધમધમતી કરવા માટે ખાતમુહૂર્ત કરાયું હતું. આગામી થોડા માસમાં જ આ બંને સુગર ફેક્ટરીઓ ફરી ધમધમતી થશે. જેના કારણે ખેડૂતોએ ઊત્સાહ સાથે શેરડીના પાકનું વાવેતર વધારી દીધું છે.
આ સાથે જ ખેડૂતોની માગ છે કે, ‘અમારી શેરડીના અમને યોગ્ય ભાવ પણ આ કંપની આપે. આ ઉપરાંત શેરડીનાં પાકમાં આવતા વિવિધ રોગો અને સમસ્યાઓ ના ઉકેલ માટે ipl અને સરકાર બંને યોગ્ય માર્ગદર્શન આપી મદદરૂપ થાય તો ગીર સોમનાથમાં શેરડીના પાક સાથે ખેતક્રાંતિનો ફરી નવો યુગ શરૂ થશે.’