July 2, 2024

કેસર કેરીના ભાવ ઉંચકાયા, વધુ માગ સામે ઓછી આવક હોવાથી અસર

ગીર-સોમનાથઃ ગીરનું ગૌરવ ગણાતી કેસર કેરી 500 ટનથી વધુ વિશ્વના અનેક દેશોમાં નિકાસ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ઓછો પાક થયો હોવાથી સ્થાનિક માર્કેટમાં ભાવ વધુ છે. આગામી દિવસોમાં ભીમ અગિયારસનો પર્વ આવી રહ્યો છે, ત્યારે મધ્યમ વર્ગ માટે કેસરનો સ્વાદ મોંઘો સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના અનેક દેશોમાં ઊંચા ભાવ સાથે પણ કેસર કેરીની જબરી માગ ઉઠી છે.

ગીરની કેસર કેરી જગવિખ્યાત છે. ત્યારે છેલ્લા પાંચેક વર્ષથી વિપરીત હવામાનનું ગ્રહણ લાગ્યું છે. જેથી સતત છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીનો પાક ઘટી રહ્યો છે. જેના કારણે ઓછી કેરી વધુ ભાવ હોવાથી ભાવ પણ ઉંચકાયો છે. આ સિવાય કેરીની સમયમર્યાદા ટૂંકી બનતા કેસર કેરીના રસિયાઓ માટે ભીમ અગિયારસ પર કેસર કેરી ખરીદવી અઘરી થશે.

ગત સિઝનની સાપેક્ષમાં જો વાત કરવામાં આવે તો, ગત વર્ષે તાલાળા મેંગો યાર્ડ ખાતે બાર લાખ કેસર કેરીના બોક્સની આવક હતી. આ સાથે 300થી લઈ અને 500 રૂપિયા સરેરાશ 10 કિલોના બોક્સનો ભાવ રહ્યો હતો. પરંતુ આ વખતે વિપરીત હવામાનને કારણે કેરીના ફ્લાવરિંગ ખરી પડવાના કારણે માત્ર 40% કેરી જ બચી શકી હતી. ઓછી કેરી હોવાને કારણે આ વર્ષે આખી સિઝનમાં કેરીના ભાવ ભારે ઊંચા રહ્યા છે. હાલ કેસર કેરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે. ત્યારે પણ 10 કિલોના એક બોક્સના 800થી લઈને 1300 રૂપિયા સુધીના ભાવ ચાલી રહ્યા છે. જેના કારણે સામાન્ય વર્ગ પરંપરા અનુસાર ભીમ અગિયારસ જેવા પર્વે પણ કેસર કેરી ખરીદી નહીં શકે. આ સાથે જો હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ શરૂ થયો તો પણ કેરી નહીં ખાઈ શકાય. આમ કેસર કેરી ગ્રાહકો માટે આ વખતે ઉંચા ભાવને કારણે કડવી બની છે.

આ પણ વાંચોઃ પ્રેમ પ્રકરણમાં જામનગરમાં હત્યા, છરીના ઘા ઝીંકી યુવકને પતાવી દીધો

આ વખતે કેસર કેરી વિદેશોમાં 500 ટનથી વધુ નિકાસ થઈ ચૂકી છે. વિદેશમાં લંડન, યુકે, સ્વિત્ઝર્લેન્ડ, અખાતી દેશો, આફ્રિકા જેવા દેશોમાં પણ મોટા પ્રમાણમાં નિકાસ થઈ છે. આ સાથે હજુ પણ ત્યાં કેરીની જબરી માગ છે. જેથી જે ખેડૂતોના ખેતરમાં કેસર કેરી આ વખતે પાકી છે તેમને બહુ સારા રૂપિયા નિકાસના કારણે મળ્યા છે. તો સ્થાનિક લેવલે ભાવ ઊંચા રહેતા સ્થાનિકોએ કેસર કેરીનો સ્વાદ કડવો માણ્યો છે. ત્યારે હાલ કેસર કેરીનું ક્લોઝિંગ ચાલી રહ્યું છે અને તેમાં પણ વરસાદ પડે એટલે કેસર કેરીમાંથી સ્વાદ જતો રહે છે. તેમાં જીવાત પડી જાય છે અને ચોમાસામાં કેસર કેરી સ્વાસ્થય માટે પણ આરોગ્યપ્રદ ગણાતી નથી.