January 4, 2025

ઇકો ઝોન કાયદાનો પૂરજોશમાં વિરોધ, ખેડૂતો મહાઆંદોલન માટે તૈયાર

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ ગીર પંથકમાં ઇકોઝોન લાગુ કરવા બાબતે 60 દિવસની નોટીફિકેશન બાદ સમય મર્યાદા પૂરી થતાં ખેડૂતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અને સાથે અનેક આશંકાઓ ઊભી થઈ છે. ગીરના 196 ગામના સરપંચો હવે બિન રાજકીય રીતે ધરતીપુત્ર તરીકે જ સરકાર સામે જુસ્સાભેર લડત આપશે તેવું ગીરમાં આયોજન કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા ગીરની નજીક આવેલા ત્રણ જિલ્લાઓ ગીર સોમનાથ, જુનાગઢ અને અમરેલીમાં ઇકોઝોન લાગુ કરવા પૂર્વે સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. આ કાયદા બાબતે 60 દિવસની સરકાર દ્વારા મુદત અપાયાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે ગામે ગામથી સરપંચથી માંડીને સામાન્ય ખેડૂત વગેરે હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ સરકારમાં નોંધાવી છે. ત્યારે સમયમર્યાદા પૂરી થઈ છતાં ખેડૂતોને સંતોષકારક જવાબ પણ નથી મળ્યો. ખેડૂતો વન વિભાગના જડ કાયદાઓથી હાલ પણ ફફડી રહ્યા છે. આ સાથે ભારે આક્રોશમાં કોઈપણ ભોગે ઇકો ઝોન જોઈએ જ નહીં તેવું જણાવી રહ્યા છે.

કેટલાક ખેડૂતો એવું જણાવી રહ્યા છે કે, સરકારમાં અમારી માતૃભાષા ગુજરાતીમાં વિવિધ વાંધાઓ રજૂ કર્યા છે. ત્યારે અમને કહેવામાં આવ્યું છે કે, તમારા વાંધાઓ અંગ્રેજી ભાષામાં જ અમને આપો. તો ખેડૂતો સામાન્ય ભણેલા હોય તેમને અંગ્રેજી ભાષા આવડતી પણ ન હોય. ત્યારે અંગ્રેજી ભાષામાં જ વ્યવહાર કરવો તે ખેડૂતોને કોઈપણ ભોગે માન્ય નથી. હાલ ઈકો ઝોન લાગુ ન હોય તે પહેલા પણ અમને વાડીમાં જવાના રસ્તાઓ, ખેતરમાં કામે જતી વખતે દરેક ખેતીકામમાં વન વિભાગ અમને દિવસ અને રાત પરેશાન કરી રહ્યા છે. તો આ કાયદા બાદ અમારું કોણ સાંભળશે? તેવો સવાલ કરી રહ્યા છે.

બે દિવસ પૂર્વે ગીરમાં 24 ગામડાઓના સરપંચો એકત્ર થયા હતા. જેમાં નિર્ણય લેવાયો છે કે, ઇકો ઝોન સંબંધિત 196 ગામના સરપંચો એકત્ર થશે અને મહાપંચાયત બોલાવાશે. વન વિભાગના ઇકો ઝોન કાયદાનો આકરો વિરોધ કરશે. આ સાથે કોઈપણ પક્ષના રાજકીય આગેવાનોને આ લડતમાં સામેલ કરાશે નહીં. બિન રાજકીય અને માત્ર ધરતીપુત્રો જ લડત આપશે. સરકાર જો શાનમાં નહીં સમજે તો ધરતીપુત્રો એનો જડબાતોડ જવાબ આપી સરપંચથી લઈ અને સાંસદ સુધીની તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે. નાછૂટકે અમને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે. તેમાં જે પણ ઘટના બનશે તેની જવાબદારી માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકારની જ રહેશે. કોઈપણ ભોગે અમે ઇકો ઝોન કાયદાનો સ્વીકાર કરવાના નથી. જેની અમારે ભલે કોઈપણ કિંમત ચૂકવવી પડે.