September 20, 2024

ગીર-સોમનાથના દરિયાકિનારેથી ફરી ઝડપાયું કરોડોનું ચરસ

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારેથી વધુ એક વખત કરોડો રૂપિયાનું ચરસ મળી આવ્યું છે. ધામલેજ દરિયાકિનારેથી 5 કરોડથી વધુનું ચરસ મળી આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

સુત્રાપાડા તાલુકાનો ધામલેજ દરિયાકિનારો એકાદ વર્ષથી ચર્ચામાં અહીંથી વારંવાર નશીલો પદાર્થ મળી રહ્યો છે. ત્યારે વધુ એક વખત SOG પોલીસને અહીંથી ચરસના 9 જેટલા પેકેટ મળી આવ્યા છે. જેનો વજન 10 કિલોની આસપાસ થયો છે.

ગીર સોમનાથ પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ 5.30 કરોડની કિંમતનું ચરસ બિનવારસુ હાલતમાં મળી આવ્યો છે. એફએસએલની પણ મદદ લેવામાં આવી છે. હાલ દરિયાકિનારે સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.

ગીર સોમનાથ એસપીના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષમાં ગીર-સોમનાથ જિલ્લાના અલગ અલગ સ્થળ અને સમુદ્રકિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ચરસ મળી આવ્યું છે. ઉર્દૂ ભાષામાં પેકેટ ઉપર લખાણ છે. પોલીસના જણાવ્યા મુજબ, અફઘાનિસ્તાન પાકિસ્તાન અને અન્ય દેશમાંથી આ પેકેટ આવતા હોવાની આશંકા છે. છેલ્લા બે વર્ષમાં 380 કરોડનું ડ્રગ્સ અને ચરસ જેવું નશીલો પદાર્થ મળી આવ્યો છે.

ગીર-સોમનાથ એસપીએ માછીમારો અને લોકોને અપીલ કરી છે કે, તેમને કોઈ શંકાસ્પદ પદાર્થ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરે. કારણ કે તમામ નશીલા પદાર્થનો જથ્થો બાતમીના આધારે મળી આવ્યો છે.