September 25, 2024

18-18 વર્ષ વીત્યાં પણ હજુ પુલ ન મળ્યો, કોઈ સરકારી બાબુ કે નેતા સાંભળતા જ નથી!

ધર્મેશ જેઠવા, ગીર ગઢડાઃ તાલુકાનું પડાપાદર ગામ બે વિભાગમાં વહેંચાયેલું છે. જેમાં એક તરફ આથમણા પડા બીજી તરફ ઉગમણા પડા વસ્યું છે. જૂથ ગ્રામ પંચાયતમાં આવતા આ બંને ગામ વચ્ચેથી પસાર થાય છે, આ જિલ્લાની મોટી રાવલ નદી. ચોમાસામાં ડેમ ઓવરફ્લો થતા આ નદીમાં 5થી 6 મહિના ભારે પ્રવાહમાં બે કાંઠે વહે છે. અથમણા પડા અને ઉગમણા પડા ગામના લોકોની ખેતીની જમીન સામસામે આવે છે. આ સિવાય ગ્રામ પંચાયત આથમણા પડામાં આવેલી હોવાથી લોકોને તેમજ સરપંચને કામ અર્થે રોજ ઉગમણા પડાં આ નદીમાંથી પસાર થઈને આવવું પડે છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તો નદીમાંથી પસાર થવાતું નથી જેથી સામે એક કાંઠેથી બીજા કાંઠે જવા માટે 15 કિમી દૂર ધોકડવા-બેડીયા ફરીને જવું પડે છે અને 15 કિમી આવવું પડે છે. આમ સામે કાંઠે જવા 30 કિમીનું અંતર કાપવું પડે છે. નદી ઉપર પુલ હોય તો માત્ર 1 કિમીમાં એક કાંઠેથી બીજે કાંઠે પહોંચી શકાય છે.

આથમણા પડા ગામના વિદ્યાર્થીઓને મોટા સમઢિયાળા અભ્યાસ અર્થે જવા માટે ઉગમણા પડા ગામ આવવું પડે છે. અહીંથી બે કિમી મોટા સમઢિયાળા શાળાએ ભણવા આવે છે. શાળાએ જવા માટે નદી ઓળંગીને નદીના ધસમસતા પ્રવાહમાંથી આવવું પડે છે. નદીમાં કેડ સમા પાણીમાંથી પસાર થતા કપડાં અને યુનિફોર્મ પાણીમાં પલળી જાય છે. ક્યારેક પુસ્તકો ભરેલી બેગ પણ પાણીમાં પડી જતાં પલળી જાય છે. જો નદીમાં વેગ વધુ હોય તો જીવનું પણ જોખમ રહેલું હોય છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોય તો વાલીઓએ 15 કિમી ધોકડાવા-બેડીયા ફરીને વિદ્યાર્થીઓને મૂકવા જવું પડે છે કે ખાનગી વાહન લેવા મૂકવા રાખવું પડે છે.

આ સિવાય આથમણા પડાવાળા લોકોની ખેતીની જમીન ઉગમણા પડામાં આવેલી છે. અમુક ખેડૂતોની જમીન ઉગમણા પડાના ઉગમણા પડાપાદરવાળાની આથમણા પડામાં આવેલી છે, જેથી પશુપાલન માટે ઘાસચારો લેવા અને ખેતીકામે દિવસમાં બે વાર આવવા જવાનું થાય છે. મહિલાઓ કેડ સમા પાણીમાંથી આ રાવળ નદીમાંથી જીવના જોખમે આ નદી પસાર કરે છે.

વળી એક ગામે સ્મશાન આવેલું હોવાથી ગામમાં જેનું મૃત્યુ થાય ત્યારે સ્મશાન યાત્રા લઈ જવા પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. લોકોએ જીવના જોખમે નદીના ગોઠણડૂબ પાણીમાંથી પસાર થવું પડે છે. તંત્ર કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ બેઠું છે કે કેમ એવા અનેક સવાલો ઉઠ્યા છે. આ રાવલ નદી ઉપર 18 વર્ષ પેલા કોઝવે પુલ બનેલો જે એક જ વર્ષમાં નબળા કામના લીધે ધોવાય ગયો છે. અત્યારે પણ આ કૉઝવે તૂટી ગયેલો દેખાય છે. તેના પુરાવામાં કાટમાળ અને પથ્થરો દેખાય છે. નવો પુલ બન્યાની ગ્રાન્ટ પણ ઘણીવાર પાસ થઈને આવેલી પણ નેતાઓની મેલી નીતિઓને લીધે પુલ ના બન્યો. ચૂંટણી નજીક આવે ત્યારે માત્ર નેતાઓ આવીને વાયદા કરી ચાલ્યા જાય છે. પણ ચૂંટણી ગયા પછી કોઇને આ પુલ કે આ ગામ કે આ ગામની વેદના નથી દેખાતી? ચોમાસાનું આ વર્ષ સિઝનનો વરસાદ ઓછો પડ્યો હોવાના લીધે હાલ પાણીમાં ઉતારી શકાય છે બાકી અહી આ સમયે નદીમાં ઉતરવું શક્ય નથી હોતું.