ગીરની પ્રખ્યાત કેસર કેરી ટૂંક સમયમાં આવશે બજારમાં, સૌરાષ્ટ્રમાં કુલ 37,517 હેક્ટરમાં આંબાનું વાવેતર

ગીર સોમનાથ, અરવિંદ સોઢા: ગીરની પ્રખ્યાત કેસર ટૂંક સમયમાં બજારમાં આવશે. આગામી 26 એપ્રિલથી તાલાળા મેંગો માર્કેટમાં કેસર કેરીનું આગમન થશે. ગત વર્ષની સરખામણીમાં ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે, ઉત્પાદન ઓછું થતાં મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ કડવો બની શકે છે.
ગીર સોમનાથ જિલ્લો કેસર કેરીનો ગઢ ગણાય છે. હજારો હેકટરમાં ફેલાયેલા કેસર કેરીના બગીચાઓમાંથી દર વર્ષ મોટી માત્રામાં કેસર કેરીનું ગીરમાં ઉત્પાદન થાય છે. આ કેસર કેરી દેશ વિદેશમાં પ્રખ્યાત બની છે, ત્યારે સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાના શરૂઆતમાં બજાર આવી જતી હોય પરંતુ આ વર્ષે એપ્રિલમાં અંત માં કેસર કેરી બજારમાં આવશે. જોકે એકંદરે કેરીની સીઝન સારી રહેવાની તાલાળા મેંગો માર્કેટના ચેરમેન કહી રહ્યા છે, પરંતુ ગત વર્ષેની તુલનામાં આ વર્ષે 50 ટકા ઉત્પાદન ઓછું થવાનું અંદાજ આંકવામાં આવી રહ્યો છે. ગત વર્ષે જે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી. તેમની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજ છે. જે શરૂઆતના દિવસોમાં 5થી 7 હજાર બોક્સ જ કેરી આવે તેવું અનુમાન છે.
જોકે ઉત્પાદન ઓછું હોવા છતાં અત્યારથી જ વિદેશમાંથી ગીરની કેસર કેરીની પૂછપરછ શરૂ થઈ ગઈ. જેમાં આરબ દેશો, ગલ્ફ દેશો, કેનેડા, યુકે, સહિતના દેશોમાંથી કેસર કેરી માટે પૂછપરછ ચાલુ છે. એટલે ઉત્પાદન ઓછું હોવા છતાં કેરી વિદેશમાં પણ એક્સપોર્ટ થશે. ત્યારે ગત વર્ષે તાલાળા મેંગો માર્કેટમાંથી 400 મેટ્રિક ટન જેટલી કેસર કેરી વિદેશમાં એક્સપર્ટ થઈ હતી. જોકે આ વર્ષે કેસર કેરીની માગ છે, પરંતુ કેરીની કવોલિટી અને ભાવ પર નિર્ભર રહેવાનો અંદાજ છે.
ગત વર્ષની તુલનાએ 50 ટકા જેટલું કેસરનું ઉત્પાદન ઓછું હોવાનું મેંગો માર્કેટના ચેરમેન સહિત ખેડૂતો માની રહ્યા છે. ખેડૂતોના મતે આ વર્ષ પૂરતું ફલાવરીંગ આવ્યું હતું, પરંતુ ગ્લોબલવોર્મિંગને કારણે ખરવા લાગ્યું. પાછોતરૂ જે ફલાવરિંગ આવ્યું તેમાં મગીયો બંધાયો અને હાલ કેરી આવી છે. પરંતુ વાતાવરણની વિષમતાના કારણે જાજી કેરી ખરી ગઈ છે. આથી આ વખતે કેસર કેરીનું ઉત્પાદન ઘટશે. વર્તમાન સીઝનમાં કેસરનાં ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. જેના કારણે ગત વર્ષો કરતા કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે. વર્તમાન વર્ષમાં વિષમ હવામાનને કારણે મધીયો, ભુક્કીછારો તેમજ ફૂગ સહીતનાં અનેક પ્રકારનાં રોગોને કારણે ફલાવરિંગ ખરી ગયું અને જે થોડું ઘણું બચ્યું તેમાં મગીયો બંધાયા બાદ ખાખડી પણ ખરી રહી છે. આથી કેસર કેરીનાં ઉત્પાદનમાં ખૂબ ઘટાડો થયો છે. નાના અને મધ્યમ વર્ગના લોકો માટે કેરીનો સ્વાદ કડવો બની શકે છે. કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા હોવા છતાં ગીરના ખેડૂતો 10 કિલો કેરીના બોક્સ ભાવ 800થી 1 હજાર રહે તેવી આશા રાખી રહ્યા છે. કારણ કે આ વર્ષે 50 ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવી પડી છે.
ત્યારે ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં કેસર કેરીના પાકની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં કુલ 37,517 હેક્ટર કેસર કેરીના આંબાનું વાવેતર છે.
જિલ્લા પ્રમણે કેસર કેરીના આંબાનું વાવેતર
- જૂનાગઢ – 8490 હેક્ટર
- ગીર સોમનાથ – 14,520 હેક્ટર
- અમરેલી – 6925 હેક્ટર
- ભાવનગર – 6388 હેક્ટર
- રાજકોટ – 425 હેક્ટર
- જામનગર – 424 હેક્ટર
- પોરબંદર – 305 હેક્ટર
સૌરાષ્ટ્રમાંથી દર વર્ષ અંદાજે કેસર કેરીનું 3 લાખ 34 હજાર 984 મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. પરંતુ આ વખતે 2 લાખ મેટ્રિક ટન કરતા ઓછું ઉત્પાદન થવાની શક્યતાઓ ખેડૂત અને કેટલાક જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.
છેલ્લા 5 વર્ષમાં તાલાળા યાર્ડમાં કેસર કેરીના બોક્સની આવક અને ભાવ
વર્ષ | બોક્સની આવક | બોક્સનો ભાવ |
2020 | 6,87,931 | 375/- |
2021 | 5,85,595 | 355/- |
2022 | 5,03,321 | 740/- |
2023 | 11,13,540 | 800/- |
2024 | 5,96,700 | 700/- |
હવે 2025માં કેસર કેરીનાં શું ભાવ રહે છે અને કેટલા બોક્સ આવશે તે તો તાલાળા ખાતેનાં માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની હરરાજી શરૂ થયા બાદ જ અંદાજી શકાશે.