December 23, 2024

પદ્મશ્રી ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની વયે નિધન

Pankaj Udhas

પંકજ ઉધાસ - ફાઇલ તસવીર

અમદાવાદઃ મનોરંજન જગતમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દિગ્ગજ સિંગર પંકજ ઉધાસનું નિધનના સમાચાર સામે આવ્યા છે. 72 વર્ષની ઉંમરે તેમને અંતિમ શ્વાસ લીધા છે.  તેમની દીકરી નાયાબ ઉધાસે નિધનની ખબર આપી છે. નોંધનીય છે કે, લાંબી બીમારી બાદ સિંગરનું નિધન થયું છે. સિંગરના પરિવારજનોએ સ્ટેટમેન્ટ જારી કરતા તેમના નિધન અંગે જણાવ્યું છે. સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે, ખૂબ ભારે મનથી અમે તમને લાંબી બીમારી બાદ 26 ફેબ્રુઆરી 2024ને પદ્મ શ્રી પંકજ ઉધાસના દુ:ખદ નિધનની જાણકારી આપીએ છીએ.

પંકજ ઉધાસનું આજે સવારે 11 વાગ્યે મુંબઈમાં નિધન થયું હતું. થોડા સમય માટે તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ હતા. આ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી મુજબ, પંકજ ઉધાસને થોડા મહિના પહેલા કેન્સર હોવાનું સામે આવ્યું હતું અને છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ કોઈને મળતા ન હતા. આવતીકાલે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સિંગર સોનુ નિગમ તેમના મૃત્યુ પર પ્રતિક્રિયા આપનારાઓમાં સૌથી પહેલા હતા. સોનુએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “મારા બાળપણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ આજે ખોવાઈ ગયો છે. શ્રી પંકજ ઉધાસ જી, હું તમને હંમેશા યાદ કરીશ. આ જાણીને મારું હૃદય રડે છે. જીવનનો એક ભાગ બનવા બદલ આભાર. શાંતિ.”

વર્ષ 2006માં પદ્મશ્રી મળ્યો
પંકજ ઉધાસનો ભારતના એક જાણીતા ગાયક કલાકાર છે. તેઓ મોટેભાગે ‘ગઝલ ગાયક’ તરીકે ઓળખાય છે. ભારતીય સંગીત ઉદ્યોગમાં તલત અઝીઝ અને જગજીત સિંહ જેવા અન્ય સંગીતકારો સાથે ગઝલ શૈલીને લોકપ્રિય સંગીતના દાયરામાં લાવવાનું શ્રેય એમને ફાળે પણ જાય છે. પંકજ ઉધાસને ફિલ્મ ‘નામ’માં (૧૯૮૬ ચલચિત્ર) ગાયેલા ગીતને કારણે ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. જેમાં એમનું એક ગીત ‘ચિઠ્ઠી આઈ હૈ’ અત્યંત લોકપ્રિય થયું. ત્યારબાદ એમણે ઘણા બધાં ચલચિત્રો માટે પાર્શ્વ ગાયક તરીકે અવાજ આપ્યો છે. આ ઉપરાંત એમણે ઘણા ગઝલના આલ્બમ પણ રેકોર્ડ કર્યાં છે અને એક કુશળ ગઝલ ગાયકના રૂપમાં આખી દુનિયામાં પોતાની કલાનું પ્રદર્શન કરી ચૂક્યા છે. 2006ના વર્ષમાં પંકજ ઉધાસને પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.

View this post on Instagram

 

A post shared by Nayaab Udhas (@nayaabudhas)

ગુજરાતમાં ચારણ પરિવારમાં જન્મ થયો
પંકજ ઉધાસનો જન્મ ગુજરાતનાં રાજકોટ પાસે આવેલા જેતપુર ગામમાં થયો હતો. તેઓ ચારણ(ગઢવી) પરિવારમાં જન્મયા હતા. તેઓ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે. તેમના પિતાનું નામ કેશુભાઈ ઉધાસ અને માતાનું નામ જીતુબેન છે. તેમના બંને મોટા ભાઈઓ મનહર ઉધાસ અને નિર્મલ ઉધાસ પણ પ્રખ્યાત ગઝલ ગાયક છે. તેમનો પ્રારંભિક અભ્યાસ ભાવનગરમાં કર્યા પછી પરિવાર મુંબઈમાં સ્થાયી થતાં તેમણે આગળનો અભ્યાસ મુંબઈની સેન્ટ ઝેવિઅર્સ કોલેજમાંથી કર્યો.

પંકજ ઉધાસ હિન્દી સિનેમા અને ભારતીય પોપ ગાયકીમાં તેમના કામ માટે જાણીતા હતા. તેમણે 1980માં ‘આહત’ નામના ગઝલ આલ્બમના પ્રકાશન સાથે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1981માં મુકાર, 1982માં તરન્નમ, 1983માં મહેફિલ, 1984માં રોયલ આલ્બર્ટ હોલમાં પંકજ ઉધાસ લાઈવ , 1984માં નયાબ અને 1988માં ફ્રી જેવી ઘણી હિટ ગીતો રેકોર્ડ કર્યા હતા.