December 17, 2024

ટેટ-ટાટના વિદ્યાર્થીઓ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા, પોલીસે તમામને ડિટેઇન કર્યા

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી ટાટ અને ટેટ પાસ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આજે પણ કેટલાક ટેટ પાસ ઉમેદવાર સચિવાલયમાં શિક્ષણ મંત્રીને મળવા પહોંચ્યા હતા. જો કે, ઉમેદવાર નવા સચિવાલયના એસએસ 1ની અંદર પ્રવેશે તે પહેલા ગાંધીનગર પોલીસે તેમની અટકાયત કરી હતી.

રાજ્યમાં શિક્ષકોની ભારે ઘટ છે. ત્યારે ટાટ અને ટેટ પાસ કરનારા ઉમેદવાર કાયમી શિક્ષકની ભરતીની રાહ જોઈ રહ્યા છે. પરંતુ સરકાર તરફથી ભરતીની જાહેરાત ન કરવામાં આવતા ઉમેદવારની ધીરજ ખૂટી રહી છે. ગાંધીનગરમાં ઉમેદવાર મહાઆંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે અને છેલ્લા બે દિવસથી ઉમેદવાર અને પોલીસ વચ્ચે સંતાકૂકડીનો ખેલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે 15 જેટલા ઉમેદવાર નવા સચિવાલયમાં પ્રવેશ પાસ હાંસલ કરીને અંદર પ્રવેશ કર્યો હતો. આ ઉમેદવાર શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જાય તે દરમિયાન એસએસ 1 ખાતે પોલીસે યુવાનોની અટકાયત કરી હતી.

આ પણ વાંચોઃ AAPના બે કોર્પોરેટરો સામે 10 લાખની લાંચ માગવાનો આક્ષેપ, ACBમાં ફરિયાદ

ઉમેદવાર શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા જાય તે પહેલા એસ એસ 1ની બહાર પ્લે કાર્ડ બેનર દર્શાવીને કુબર ડિંડોરનો ભારે વિરોધ કર્યો હતો. આ ઉપરાંત ઉમેદવાર પોલીસ સમક્ષ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી રાજ્યના ભાવિ શિક્ષકો સાથે પોલીસ આતંકવાદી જેવું વર્તન કરી રહ્યા છે. ગાંધીનગરમાં ટાટ અને ટેટ ઉમેદવાર દેખાય એટલે પોલીસ ડિટેન કરી લે છે. આ ઉપરાંત ઉમેદવારોએ વધુ આક્ષેપ લગાવતા જણાવ્યુ હતુ કે, ગઈકાલે પણ ઉમેદવારને ડિટેન કરી લીધા હતા. આખી રાત ઉમેદવાર ક્યાં હતા તેની કોઈ ખબર નથી. તમામ ઉમેદવારના મોબાઇલ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યા છે. મહત્વનું છે કે, ઉમેદવારની એક જ માગ છે કે, શિક્ષણ મંત્રી કાયમી શિક્ષકની ભરતીની તારીખો જાહેર કરે.