July 2, 2024

ધોરણ 9-11માં નાપાસ વિદ્યાર્થીઓનાં રિટેસ્ટ 15 દિવસમાં લેવાનો નિર્ણય

આશુતોષ ઉપાધ્યાય, ગાંધીનગરઃ રાજ્યમાં ધોરણ 9 અને 11મા નાપાસ વિદ્યાર્થીઓનાં રિટેસ્ટ લેવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. તેનાથી નાપાસ વિદ્યાર્થીઓનું વર્ષ બગડતું અટકશે. જેમાં શાળાઓએ સત્ર શરૂ થયાના 15 દિવસમાં પરીક્ષા યોજીને પાસ થયેલા વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં પ્રવેશ આપવાનો રહેશે.

અત્યાર સુધી ધોરણ 9 અને 11 રિટેસ્ટ લેવા અંગે કોઈ જોગવાઈ કરવામાં આવી નહોતી. તેના કારણે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ ફરીવાર પરીક્ષા આપવા માટે એક વર્ષ સુધી રાહ જોવી પડતી હતી અને અમૂલ્ય કહી શકાય તેમ એક વર્ષ બગડતું હતું અને અનેક વિદ્યાર્થીઓ ભણવાનુ છોડી પણ દેતા હતા. જેને કારણે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો વધતો હતો. જેમાં શાળા સંચાલકોની અસંખ્ય રજૂઆતોને લઇને શિક્ષણ વિભાગ દ્વારા રિટેસ્ટની જોગવાઈ અમલમાં મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ બોરવેલમાં બાળકી પડી, 108ની ટીમ સહિત ફાયરવિભાગ ઘટનાસ્થળે

આ જોગવાઇનો અમલ શેક્ષણિક વર્ષ 2023-24થી કરવામાં આવશે. એટલે કે ગત વર્ષે નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક તક મળશે અને વર્ષ બગડતું પણ અટકશે. જોગવાઇમાં જણાવવામા આવ્યું છે કે, આ પરીક્ષા શૈક્ષણિક સત્ર શરૂ થાય તેના 15 દિવસમાં યોજવાની રહેશે. એટલે કે ચાલુ વર્ષ માટે આ પરીક્ષા 29 જૂન સુધીમાં પૂર્ણ કરવાની રહેશે અને પાસ થયેલા વિદ્યાર્થીઓને આગામી ધોરણમાં પ્રવેશ મળી શકશે.

આ પણ વાંચોઃ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં-ક્યાં વરસાદ ખાબકશે

ન્યૂઝ કેપિટલ સાથેની વાતચીતમાં શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, આ પ્રકારના નિર્ણયથી રાજ્યમાં ડ્રોપઆઉટ પણ ઘટશે. હાલમાં શૈક્ષણિક સમિતિની બેઠક મળી હતી. જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વર્ગ બઢતીના નિયમોમાં ધોરણ 9, 11 કોમર્સ અને સાયન્સ માટેના નિયમોમાં ફેરફાર કરીને ઉમેરો કરવામાં આવ્યો છે. પહેલા આ પ્રકારનો નિયમ ન હોવાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસને અસર પડતી હતી. હોશિયાર વિદ્યાર્થી એક યા બીજા કારણસર નાપાસ થાય તો તેને એક વર્ષ સુધી રાહ જોવી પડતી હતી, પરંતુ આ જોગવાઈ કારણે વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.