યુથ પાર્લામેન્ટનું આયોજન, પાટીલે કહ્યું – આજના યુવાનો રાજકારણમાં આવે તે જરૂરી
ગાંધીનગરઃ શહેરમાં આવેલા મહાત્મા મંદિરમાં ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા આયોજિત યુથ પાર્લામેન્ટના સમાપન કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, ‘આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં યુવાનોને મોટી જવાબદારી આપવામાં આવી રહી છે. આજે યુવા કાર્યકર્તાઓને સંસદમાં જવાની પણ તક મળે છે. જ્યારે યુવા કાર્યકર્તાને જનતાની સેવા કરવા મળતી હોય ત્યારે તે પ્રમાણિક અને સમર્પિત છે તે સાબિત કરવું જોઇએ. સરકારી યોજનાઓ દ્વારા યુવાનો લોકોની મદદ કરે તે પ્રકારનો પ્રયાસ કરવો જોઇએ. યુવાનો લોકસભાની કાર્યપદ્ધતિ સમજે તે ખૂબ જરૂરી છે. આજના યુવાનો રાજકારણ ક્ષેત્રે વધુમાં વધુ આવે તે જરૂરી છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્ઞાતિ-જાતિના ભેદ દૂર કર્યા છે. યુવાનો દેશના વિકાસમાં મહત્વનો રોલ નિભાવે તે ખૂબ જરૂરી છે.’
આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, રાજ્ય સરકારના ગૃહમંત્રી હર્ષ સંઘવી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ, યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી નરેશ દેસાઈ,ગુજરાત રાજ્ય યુવા બોર્ડના કૌશલ દવે, ધારાસભ્ય બાબુ પટેલ, કરશન સોલંકી, રીટા પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.