June 30, 2024

ગાંધીનગર સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો રીઢો સાયબર ફ્રોડ, શેરબજારના નામે કરતો ઠગાઇ

મલ્હાર વોરા, ગાંધીનગર: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે ઠગાઇ આચરતી ટોળકીઓનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે. જેને લઈને અનેક ફરિયાદો મળી હતી. ત્યારે હવે ગાંધીનગર સાયબર ક્રાઇમને આ મામલે મોટી સફળતા મળી છે. ગાંધીનગર સાયબર ક્રાઇમ બ્રાન્ચે સાયબર ફ્રોડ કરતી ટોળકી ઝડપી પાડી છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગર સાયબર ક્રાઈમ દ્વારા સાયબર ફ્રોડ આચારતી ટોળકી ઝડપી પાડવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સ્ટોક માર્કેટમાં ઉંચુ વળતર આપવાની લાલચ આપીને લીંક મોકલી છેતરપિંડી આચરતા શખ્સની ધરપકડ કરી છે. આરોપી શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચ આપીને લિન્ક મોકલતો અને આવી જ અલગ અલગ લીંકના માધ્યમથી વિવિધ બેંકોના ખાતામાંથી રૂપિયા સર્વી લેતો. સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ શખ્સની ઓળખ રતનલાલ કુમાવાત તરીકે થઈ છે જે મૂળ રાજસ્થાનનો વતની છે.

જાણવા મળી રહ્યું છે કે, આરોપી રાતનલાલ કુમાવતે કલોલમાં રહેતા સુનિલ સિંધી નામના શખ્સ સાથે ઠગાઇ આચરી હતી. ઠગાઇ થતાં સુનિલે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. તેણે ફરિયાદ કરી હતી કે શેરબજારમાં ઉંચા વળતરની લાલચ આપીને સોશિયલ મીડિયાના માધ્યમથી લિન્ક મોકલી હતી. લિન્ક પર ક્લિક કર્યા બાદ આરોપીએ તેમના ખાતા માંથી કુલ 1 કરોડ 7 લાખ 76 હજાર રૂપિયાની ઉઠાંતરી કરી લીધી હતી. બાદમાં, પોતાની સાથે ઠગાઇ થયાનો અહેસાસ થતાં ફરિયાદ દાખલ કરી હતી.

સુનિલ સિંધીની ફરિયાદના આધારે ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા રાજસ્થાનના શખ્સ રતનલાલ કુમાવાતની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધો છે અને વધુ તપાસ કરી રહી છે. મહત્વનું છે કે આરોપીની પૂછપરછમાં અનેક ઠગાઈના ગુનાઓ ઉકેલાઈ શકે છે.