November 20, 2024

કેબિનેટ બેઠકમાં ખ્યાતિ હોસ્પિટલકાંડ ગૂંજ્યો, CMની કડક SOP બનાવવા સૂચના

ગાંધીનગરઃ ખ્યાતિ હોસ્પિટલનો PMJY કાંડ કેબિનેટ બેઠકમાં ગૂંજ્યો છે. કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કડક સૂચના આપી છે કે, PMJY માટે હોસ્પિટલની કડક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (SOP) બનાવવામાં આવે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાલમાં અમદાવાદમાં થયેલા ખ્યાતિ હોસ્પિટલકાંડનો મુદ્દો ગાજ્યો હતો. ત્યારે મુખ્યમંત્રીએ આ મામલે હોસ્પિટલની કડક એસઓપી બનાવવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત એસઓપીની અમલવારી દરમિયાન લોકોને કોઈપણ પ્રકારની હેરાનગતિ ન પહોંચે તે માટે પણ ધ્યાન રાખવા માટે જણાવ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યુ છે કે, કોઈપણ હોસ્પિટલમાં હવે ખોટી સારવાર ન થાય તેવી કાર્યવાહી કરો. ત્યારે આગામી ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ PMJY અંગેની હોસ્પિટલ માટેની એસઓપી જાહેર કરશે. તેમાં મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક SOP હશે. હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર કરવામાં આવશે.