November 24, 2024

ટેસ્લાથી લઈને સેમિકન્ડક્ટર દિગ્ગજ કંપનીઓના ગુજરાતમાં ધામા

ગાંધીનગર: નવા વર્ષની શરૂઆત થતાં ગુજરાતની રાજઘાની ગાંધીનગર ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ(VGGS) 2024નું  આયોજન થઇ રહ્યું છે. ગાંધીનગર ખાતે આ સમિટનું આયોજન તારીખ 10 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી 2024 દરમિયાન થઈ રહ્યું છે. આ સાથે જ સમિટ પહેલાં 9 જાન્યુઆરીએ પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે પહોંચશે. આ 10મી વાઇબ્રન્ટ સમિટના ગ્લોબલ ટ્રેડ શોમાં પીએમ મોદી સંબોઘન કરશે અને ત્યારબાદ 10મી તારીખે સમિટની શરૃઆત કરવામાં આવશે. સમિટને લઇને મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં વાયબ્રન્ટ સમિટની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા “ગેટવે ટુ ધ ફ્યુચર”ની થીમ ઉપર વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકાર આ સમિટનું આયોજન કોન્ફેડરેશન ઑફ ઈન્ડસ્ટ્રી(CII) અને iNDEXTb સાથેની ભાગીદારીમાં કરવામાં આવશે.  

બે દાયકા બાદ આ સમિટ નવા રેકૉર્ડ તૂટે તેવી સંભાવના
ગાંધીનગર ખાતે છેલ્લા બે દાયકાથી દર બે વર્ષે આ સમિટનું આયોજન કરવામાં આવે છે, નોંધનીય છે કે કોરોના વાયરસના વિઘ્નના કારણે ચાર વર્ષ બાદ સમિટ યોજાઇ રહી છે. છેલ્લે આ સમિટ 2019માં યોજાઇ હતી. સમિટમાં દુનિયાભરમાં દિગ્ગજ ઉદ્યોગપતિઓ અને રોકાણકારો ગુજરાત આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં ઉદ્યોગોને આકર્ષવા માટે આ સમિટની શરૂઆત કરાવી હતી. 10મી વાઇબ્રન્ટ સમિટ રાજ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેવી સંભાવના છે. સાથે સાથે ગુજરાતમાં રોકાણના નવા રેકૉર્ડ પણ સર્જાય તેવી શક્યતા છે. આ વખતે સમિટ પહેલા જ સરકારે ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપવાનો મોટો નિર્ણય પણ કર્યો છે, જેની અસર પણ સમિટ પર જોવા મળી શકે છે.

ગુજરાતમાં ટેસ્લા કંપનીનો પ્લાન્ટ બનશે?
આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં ઘણા બધા એલાન થઈ શકે છે જેમાં બધાની નદજ સૌથી વધુ ફોકસ ઓટો સેક્ટર પર રહેશે. ઈલેક્ટ્રિક કાર બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની ટેસ્લા ગુજરાતમાં પ્લાન્ટ બનાવવાનું એલાન પણ કરે તેવી સંભાવના છે. બીજી બાજુ આ સમિટમાં મારુતિ કંપની પણ એલાન કરે તેવી શક્યતા છે. ઓટો સેક્ટર સિવાય સેમીકંડક્ટર સેક્ટરની કંપનીઓ પણ ગુજરાતમાં નવા બિઝનેસની શરૂઆતને લઈને મોટી જાહેરાત કરે તેવી શક્યતા છે.

20 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત 
પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વાયબ્રન્ટ સમિટમાં ગુજરાતની વિશિષ્ટ સિદ્ધિઓ રાજ્યના વિવિધ ક્ષેત્રોની શક્તિઓ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત @2047ના વિઝનને આગળ વધારવા માટેની તૈયારીઓ દર્શાવવા માટે વિવિધ સેમિનાર અને કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે મહાત્મા મંદિર ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ 2024 ડિજિટલ ઈન્ડિયા પહેલ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન, ઈન્ડિયા ટેક, ઉદ્યોગ 4.0, ઈન્ડિયા સ્ટેક સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ, જેવા સર્વિસ સેક્ટર ઉપર ફોકસ કરવામાં આવશે. આ ઉપરાંત કન્ઝ્યુમર ટેકનોલોજી, ફાઈનાન્સિયલ સર્વિસ, હેલ્થ, એજ્યુકેશન, હોસ્પિટાલિટી, સ્માર્ટ ઈન્ફાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટીઝ જેવા વિવિધ સર્વિસ સેક્ટરમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે વધારી શકાય તેવા કાર્યક્રમો અને સેમિનારનું આયોજન કરવામાં આવશે.