November 24, 2024

ફેબ્રુઆરીથી માર્ચ, શેરબજારમાં શું હશે ખાસ?

યશ ભટ્ટ, અમદાવાદ: ફેબ્રુઆરી સિરીઝ લગભગ પૂર્ણતાને આરે છે. ભારે ઉથલપાથલ વચ્ચે FIIs એટલે કે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી છે. ખાસ ઈન્ડેક્સમાં ભલે તેમણે કામકાજ સકારાત્મક રાખ્યું હોય પરંતુ અમુક સેક્ટર એવા છે કે જેમાં FIIsને આઉટલુક પોઝિટીવ લાગતો નથી.

જે સેક્ટરમાં સહુથી વધુ વેચવાલી FIIsએ કરી છે તે છે ફાઈનાન્શીયલ સર્વિસીઝ. 7536 કરોડ રૂપિયાની વેચવાલી આ મહિને વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કરી છે. આ આંકડાઓ તો હજુ માત્ર ફેબ્રુઆરીના પહેલા બે અઠવાડિયાના જ છે. આ પહેલા જાન્યુઆરીમાં પણ તેમણે 30 હજાર કરોડ રૂપિયાની વેચવાલી કરી હતી.

માર્કેટ નિષ્ણાંતોના મતે ક્રેડિટ ડિમાંડમાં વૃદ્ધિ ઘટવી તથા ડિપોઝીટ વધારવામાં કંપનીઓની સ્ટ્રગલને કારણે રોકાણકારો હવે NBFC તથા બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થાઓ પર નકારાત્મક વ્યૂ ધરાવી રહ્યા છે. ઉપરથી જો બેન્ક વધારે નાણાં ઉભા કરી શકી નથી, તો NBFC તો આમ પણ બેન્ક પર જ નિર્ભર હોય છે. એટલે આ બન્ને સેક્ટરમાં હવે રોકાણકારોને ભરોસો ઓછો થયો છે.

કંસ્ટ્રક્શન અને ટેલિકોમ સેક્ટર પણ એવા રહ્યા જ્યાં FIIs દ્વારા વેચવાલી કરવામાં આવી છે. કંસ્ટ્રક્શન કંપનીઓમાં FIIs દ્વારા 4251 કરોડ રૂપિયાની તથા ટેલિકોમ શેર્સમાં 3766 કરોડ રૂપિયાની વેચવાલી કરવામાં આવી છે. સાથે FMCG કંપનીઓમાં પણ 3011 કરોડ રૂપિયા, પાવર સેક્ટરમાં 2895 કરોડ રૂપિયા, મેટલ સેક્સરમાં 1067 કરોડ રૂપિયા અને કેમિકલ સેક્ટરમાં 790 કરોડ રૂપિયાની વેચવાલી FIIsએ કરી છે. આ આંકડાઓ NSDLના સેક્ટર પ્રમાણેના ડેટાના આધારે અમે આપના સુધી રજુ કર્યા છે.

તો હવે સવાલે એ કે FIIsએ આ મહિને શું ખરિદ્યું? સહુથી વધારે હેલ્થકેર. આ સેક્ટરમાં FIIs દ્વારા 4212 કરોડ રૂપિયાની ખરીદદારી કરવામાં આવી છે. સામે IT ક્ષેત્ર FIIsના લીસ્ટમાં તેજી માટે બીજા સ્થાન પર રહ્યું. જ્યાં 3240 કરોડ રૂપિયાની ખરીદદારી થઈ. સાથે કંઝ્યુમર સર્વિસ સેક્ટરમાં પણ 3041 કરોડ રૂપિયાનું શોપિંગ FIIsએ કરેલું છે.

અન્ય સેક્ટર્સ જેમકે ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સમાં 2539 કરોડ રૂપિયા, સર્વિસીઝમાં 1976 કરોડ રૂપિયા, ઓઈલ અને ગેસ સેક્ટરમાં 1035 કરોડ રૂપિયા, કેપિટલ ગુડ્સ સેક્ટરમાં 921 કરોડ રૂપિયા અને રિયલ્ટી શેર્સમાં 574 કરોડ રૂપિયાની તેજી FIIsએ કરી છે.

સામે FPIs એટલેકે વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોએ 2024ની શરૂઆતથી હાલ સુધીમાં 3.5 બિલીયન ડૉલર્સની ભારતીય શેરબજારમાં વેચવાલી કરી છે. સામે સ્થાનિક રોકાણકારોએ જે ખરીદી કરી છે તે આ નકારાત્મક અસરને ન્યૂટ્રલ કરી દે છે. સ્થાનિકોમાં HNIsની તેજી મોખરે છે. સાથે રિટેલ રોકાણકારોનો તેજીનો વિશ્વાસ પણ કાયમ રહ્યો છે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી રોકાણની સલાહ નિષ્ણાંતો દ્વારા આપવામાં આવી છે, ન્યૂઝ કેપિટલ વેબસાઈટ કે તેના સ્ટાફ દ્વારા નહીં. ન્યૂઝ કેપિટલ આપને કોઈ પણ પ્રકારનું રોકાણ કરતા પહેલા પોતાના નાણાંકિય સલાહકારની સલાહ લેવાનો આગ્રહ કરે છે.)