January 17, 2025

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણી હાર્યા બાદ સરકારી બંગલો ખાલી કર્યો

Smriti Irani: પૂર્વ કેન્દ્રીય મંત્રી અને બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ લુટિયન્સ દિલ્હીમાં 28 તુગલક ક્રેસન્ટ સ્થિત પોતાનો સરકારી બંગલો ખાલી કર્યો છે. તાજેતરની લોકસભા ચૂંટણીમાં તેમને ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તેમને કોંગ્રેસના નેતા કિશોરી લાલ શર્માએ 1.5 લાખથી વધુ મતોથી હરાવ્યા હતા. ઈરાનીએ આ સપ્તાહની શરૂઆતમાં બંગલો ખાલી કર્યો હતો. આ બંગલો છેલ્લા દસ વર્ષથી તેમનું ઘર હતું. હવે આ બંગલા પરથી ઈરાનીની નેમ પ્લેટ પણ હટાવી દેવામાં આવી છે. જોકે, માત્ર સ્મૃતિ ઈરાની જ નહીં પરંતુ ચૂંટણી હારેલા તમામ સાંસદોએ 11 જુલાઈ સુધીમાં સરકારી બંગલા ખાલી કરવા પડ્યા હતા.

એક મહિનામાં સરકારી મકાનો ખાલી કરવા પડશે
એક અધિકારીએ જણાવ્યું હતું કે, ઈરાનીએ આ સપ્તાહની શરૂઆતમાં તેમનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કર્યું હતું. તેમણે કહ્યું કે નવી સરકારની રચના બાદ પૂર્વ મંત્રીઓ અને સાંસદોએ એક મહિનાની અંદર તેમના સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવા પડશે.

કોંગ્રેસના કિશોરી લાલ શર્મા સામે હાર થઇ હતી
2024ની સામાન્ય ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને લગભગ 3 લાખ 72 હજાર વોટ મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના કિશોરી લાલ શર્માને 5 લાખ 39 હજાર વોટ મળ્યા હતા. કિશોરી લાલ શર્માને કોંગ્રેસે પહેલીવાર લોકસભા ચૂંટણીમાં ઉતાર્યા હતા. ચૂંટણી પહેલા ઈરાનીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અમેઠીથી ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો હતો. પરંતુ કોંગ્રેસે અમેઠીથી પાર્ટી કાર્યકર કિશોરી લાલને ટિકિટ આપી. જ્યારે રાહુલ ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડ્યા હતા.

2019માં અમેઠીમાં રાહુલ ગાંધીનો પરાજય થયો હતો
અગાઉ 2019માં ઈરાનીએ અમેઠીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હરાવ્યા હતા. જો કે, તે ચૂંટણીમાં રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠક જીતી હતી. ગાંધીએ વાયનાડ અને અમેઠી બંને બેઠકો પરથી ચૂંટણી લડી હતી.