પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને ગીર-સોમનાથ કલેક્ટર વચ્ચેની લડાઈ વધુ ઉગ્ર બની

અરવિંદ સોઢા, ગીર-સોમનાથ: કોડીનારમાં દિનુ સોલંકીના સમર્થનમાં ગીર-સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભ્રષ્ટાચાર નાબૂદ અભિયાન સમિતિની બેઠક મળી છે. બહોળી સંખ્યામાં ઉના, ગીર ગઢડા અને કોડીનાર તાલુકાના લોકો ઉપસ્થિત રહ્યા હતા. દિનુ સોલંકીએ ગીર સોમનાથ કલેક્ટર અને તેના પુત્ર સામે ગંભીર આક્ષેપો સાથે અનેક સવાલો કરી બંનેને ઘેર્યા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ગીરના પૂર્વ સાંસદ દિનુ સોલંકી અને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા વચ્ચેની લડાઈ હવે જગજાહેર થઈ છે. દિનુ સોંલકી પહેલા દિવસથી જ કહી રહ્યા છે કે ‘ગીર કલેક્ટર ભ્રષ્ટાચારી છે. અધિકારીરાજમાં લોકશાહી ઢબે ચૂંટાયેલા જન પ્રતિનિધિનું કંઈ ઉપજતું નથી. કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનું મથક બન્યું છે. ત્યારે કેટલાયે મહિનાઓથી દિનુ સોંલકીને જિલ્લાભરમાંથી ફરિયાદો મળતી હતી કે, ‘જિલ્લા કલેક્ટર દરેક કાયદેસરના કામમાં પણ સરખા જવાબ આપતા નથી અને જિલ્લા કલેક્ટર તંત્ર નાના-મોટા તમામ કામમાં ભ્રષ્ટાચાર કરે છે.
આ બધી ફરિયાદને ધ્યાને લેતા એક જનપ્રતિનિધિ તરીકે પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ કલેક્ટર દ્વારા આચરવામાં આવતા કથિત ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું બીડું ઝડપ્યું અને જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી તેને નાબૂદ કરવા માટે ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો, બુદ્ધિજીવીઓ અને નાગરિકોને સાથે રાખીને ભ્રષ્ટાચાર નાબૂદ અભિયાન સમિતિની રચના કરી હતી. આજે કોડીનાર નાલંદા સ્કૂલના હોલમાં આ સમિતિની પ્રથમ બેઠક મળી હતી. આ બેઠકમાં અનેક સરપંચો ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં પાદરૂકા ગામના સરપંચ પ્રતિનિધીએ કહ્યું હતું કે, “અધિકારીઓએ ગ્રામ પંચાયતની મંજૂરી વગર ગૌચરની જમીન ખાનગી કંપનીને ફાળવી ભ્રષ્ટાચાર કર્યો છે.
ગીર સોમનાથ કલેક્ટર અને પૂર્વ સાંસદ વચ્ચે ચાલતી લડાઈ વચ્ચે આજે કોડીનારમાં ગીર-સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા ભ્રષ્ટાચાર મુક્ત અભિયાન સમિતિની પ્રથમ બેઠક કોડીનાર નાલંદા શાળા ખાતે મળી હતી. બેઠકના પ્રારંભમાં કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હરી વિઠલાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષથી ગીર-સોમનાથ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા મનસ્વી નિર્ણયો લઈ લોકોને હેરાન કરવામાં આવી રહ્યા છે. તાલાળા તાલુકાનાં ઘુસિયા ગામે આ અધિકારીએ મનસ્વી રીતે દબાણો દૂર કરી માતા-બહેનો અને મજબૂર પરિવારોને ઘરબાર વિહોણા કર્યા હોવાનું કહી દિનુ સોલંકી દ્વારા ભ્રષ્ટાચાર મુક્ત જિલ્લાની શરૂ કરવામાં આવેલી લડાઈમાં સમર્થન આપવા હાકલ કરી હતી. આ અભિયાન વ્યકિગત નથી આ અભિયાનને સમગ્ર જિલ્લા કક્ષાએ પહોંચાડી સરકારી વિભાગોમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા આ ભ્રષ્ટાચાર મુક્ત સમિતિ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ અવાજ પહોંચાડશે. તેવું જણાવી ભ્રષ્ટાચાર મુક્ત સમિતિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
કલેક્ટર જિલ્લાના મતદારો પ્રજાને ઉપરથી નીચે સુધી લૂંટી રહ્યા છે, ત્યારે ભ્રષ્ટાચાર મુક્ત અભિયાનની દિનુ સોલંકીના માર્ગદર્શન હેઠળ શરૂ થઈ રહ્યું છે તેને બળ આપવા આપણાં સૌની ફરજ હોવાનું ઉપસ્થિત સૌએ એકી અવાજે જણાવ્યું હતું. આ સાથે મુખ્યમંત્રીનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિનું અધિકારી રાજમાં કંઈ ઉપજતું નથી. અધિકારીઓ દ્વારા તાલુકા, જિલ્લા પંચાયતોનાં સભ્યોને દબાવવામાં આવી રહ્યાં છે. તેમજ પહેલા બિનખેતી જિલ્લા પંચાયતની બેઠકમાં થતી હતી, પરંતુ અધિકારી રાજમાં હવે બિનખેતી કલેક્ટર કચેરીમાં થતી હોય તેમાં ભ્રષ્ટાચાર ખૂબ થતો હોવાનો આક્ષેપ કરી ભ્રષ્ટાચાર મુક્ત લડાઈમાં દિનુ સોલંકીને સમર્થન જાહેર કરી લોકોને પણ સમર્થન આપવા અપીલ કરી હતી.
કોડીનારની નાલંદા સ્કૂલ ખાતે મળેલી બેઠકમાં પૂર્વ સાંસદ દિનુ સોલંકીએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાને ભ્રષ્ટાચાર મુક્ત કરવા પ્રજાને આપેલા વચનને આગળ વધારવા આજે આપણે ભ્રષ્ટાચાર મુક્તિની શરૂઆત કરતા હોવાનું જણાવી કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને તેના દીકરા ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, કલેક્ટર તેના દીકરાની ખાનગી એજન્સીઓ ઊભી કરી મિનરલ ડેવલપમેન્ટની 30 કરોડ રૂપિયાની રકમ ફાળવી દીધાનો આક્ષેપ કરી વધુમાં 50 લાખના સૂર્ય કુકર જિલ્લામાં ફાળવણી કરવા ખરીદી કરી પણ ફાળવ્યા નથી તેવું જણાવી કલેક્ટર પૈસા માટે કેટલી હિન કક્ષાએ જાય છે તેનો દાખલો આપતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી ઉના આવેલા વિસ્થાપિતોને સ્થાપિત કરવા, બિનખેતી જમીનોમાં કવેરી કાઢી મોટા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.
રેલવે કેનાલના સર્વે આવે તેમાં પણ મોટા ભ્રષ્ટાચાર કરાયા હોવાનો આક્ષેપ કરી જિલ્લાના લોકોને સંગઠિત થવા હાંકલ કરી કલેક્ટર મોટો ભ્રષ્ટાચાર કરી કલેક્ટર અને તેના વચેટિયા કરોડોના બંગલા બનાવે છે. કલેક્ટરની રાજકોટમાં 100 કરોડની બેનામી મિલકતો હોવાનો આક્ષેપ ગીર સોમનાથ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે દિનુભાઈએ આક્ષેપ કર્યો હતો.