વડનગર ખાતે પૂર્વ સાંસદ અને પદ્મવિભૂષણ ડૉ. સોનલ માનસિંહ દ્વારા ‘હર હર મહાદેવ’ નાટ્યકથા રજૂ કરાઇ

વડનગર: ગુજરાત પ્રવાસન નિગમ તેમજ ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટસ (IGNCA)ના સંયુક્ત ઉપક્રમે તાનારીરી સમાધિ સ્થળ વડનગર ખાતે પૂર્વ રાજ્યસભા સાંસદ અને પદ્મવિભૂષણ ડૉ. સોનલ માનસિંહ દ્વારા હર હર મહાદેવ નાટ્યકથા રજૂ કરવામાં આવી હતી.
સમગ્ર ભારતમાં એકમાત્ર ડૉ.સોનલ માનસિંહ દ્વારા હર હર મહાદેવ નાટ્ય કથા રજૂ કરવામાં આવે છે. જે ભારતીય નૃત્ય, વાર્તા અને પરંપરાનો અદ્ભુત સંગમ છે. આ વિશેષ કાર્યક્રમમાં ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટ વાર્તાઓને નૃત્ય અને સંગીત દ્વારા તેમની આગવી શૈલીમાં જીવંત કરવામાં આવી હતી. આ ઈવેન્ટનું આયોજન ગુજરાત ટુરીઝમ અને IGNCA સાથે મળીને કરવામાં આવી રહ્યું છે, જે આપણા સમૃદ્ધ ભારતીય કલા અને સાંસ્કૃતિક વારસાને જાળવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્રયાસ છે. આ અવિસ્મરણીય સાંસ્કૃતિક અનુભવ રૂપી ભારતીય પરંપરાના રંગોમાં ઉપસ્થિત જન મેદની રંગાઈ ગઈ હતી.
પદ્મવિભૂષણ અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ડૉ. સોનલ માનસિંહે જણાવ્યું હતું કે, તેઓ વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવના દર્શન કરી અભિનિત થયા હતા અને ભાવવિભોર બની તેમના આંસુને રોકી શક્યા નહોતા. તેમણે અહીં હાટકેશ્વર મહાદેવ તેમજ સંગીત બેલડી તાનારિરીના સમાધિ સ્થળ પર કાર્યક્રમ રજૂ કરવાં માટે ધન્યતા અનુભવી હતી.
વધુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને યાદ કરી તેમની માતૃભક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, મોદીજીએ કોઈ પણ કામની શરૂઆતમાં તેમની માતાના અવશ્ય આશીર્વાદ મેળવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર શૈલેષ પ્રજાપતિ, નિવાસી કલેક્ટર જે.કે જેગોડા, વડનગર પ્રાંત અધિકારી અમિત ચૌધરી, મામલતદાર નરેન્દ્રસિંહ રાઠોડ, વડનગર નગરપાલિકા ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈ ઉપરાંત ભાજપ જિલ્લા કોષાધ્યક્ષ કમલ પટેલ, ભાજપ જિલ્લા મહામંત્રી મહેશ પટેલ તથા નગરપાલિકામાં ચૂંટાયેલ વડનગર નગર પાલિકા સદસ્ય ઉપરાંત મોટી સંખ્યામાં કલારસિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.