November 27, 2024

ગૂગલના ભૂતપૂર્વ એન્જિનિયર પર AI સિક્રેટ ચોરવાનો આરોપ!

અમદાવાદ: ટેકનોલોજીમાં AI હરણફાળ ભરી રહ્યું છે. દરેક દિવસે AIને લઈને નવા નવા ફિચર્સ સામે આવી રહ્યા છે. ત્યારે આ વચ્ચે ગૂગલના ભૂતપૂર્વ એન્જિનિયર પર AI સિક્રેટ ચોરી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.

દોષી ઠેરવવામાં આવ્યો
AI એટલું ચર્ચામાં છે તો તેની અમુક બાબતો કંપની બહાર ના થાય તેનું પણ ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ભૂતપૂર્વ Google સોફ્ટવેર એન્જિનિયરને કેલિફોર્નિયામાં કંપનીના AI-સંબંધિત વેપાર રહસ્યો ચોરી કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તે ચીનની બે કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે ગુપ્ત રીતે કામ કરી રહ્યો હતો. મંગળવારના રોજ તેને આ વાતને લઈને દોષી ઠેરવવામાં આવ્યો છે.

માહિતીની ચોરી
લિનવેઇ ડીંગ, જેને લિયોન ડીંગ તરીકેની તેને ઓળખવામાં આવે છે. સાન ફ્રાન્સિસ્કોમાં ફેડરલ જ્યુરી દ્વારા વેપાર રહસ્યોની ચોરીના ચાર ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો. એક જાણકારી અનુસાર 38 વર્ષીય ચીની નાગરિકની બુધવારે સવારે કેલિફોર્નિયાના નેવાર્કમાં તેના ઘરેથી પોલીસે ઝડપી પાડ્યો છે. છેલ્લા એક વર્ષથી તે આ રીતે માહિતીને પહોંચાડી રહ્યો હતો. આરોપ મુજબ, ડીંગે હાર્ડવેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સોફ્ટવેર પ્લેટફોર્મ વિશે માહિતીની ચોરી કરી હતી.

કડક સુરક્ષા પગલાં
ગૂગલને ડિસેમ્બર 2023માં ડીંગ પર શંકા ગઈ હતી. ત્યાર બાદ તેનું રાજીનામું આપી દેવાનું કહેવામાં આવ્યું હતું. આ સમયે ગૂગલના પ્રવક્તા જોસ કાસ્ટેનેડાએ જણાવ્યું હતું કે અમારી ગોપનીય વાણિજ્યિક માહિતી અને વેપાર રહસ્યોની ચોરી અટકાવવા માટે અમે કડક સુરક્ષા પગલાં લઈ શકીએ છીએ. તેનું લેપટોપ લઈને તપાસ કરવામાં આવી હતી. જેમાં જાણવા મળ્યું કે આ કર્મચારીએ ઘણા દસ્તાવેજોની ચોરી કરી હતી. જેના કારણે તેને 10 વર્ષ સુધીની જેલ અને દરેક ગુનાની ગણતરી પર $250,000 દંડ ભરવાનો વારો આવશે.