July 4, 2024

વડોદરા જમીન વિવાદને લઈને પૂર્વ ક્રિકેટર યુસૂફ પઠાણ હાઇકોર્ટના શરણે

જયેશ ચૌહાણ, અમદાવાદ: વડોદરામાં વિવાદિત જમીન મામલે પૂર્વ ભારતીય ક્રિકેટર અને TMC સાંસદ યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. યુસૂફ પઠાણે અરજી કરીને જમીન વિવાદને લઈને રજૂઆત કરી છે.

યુસૂફ પઠાણે હાઇકોર્ટમાં રજૂઆત કરતાં કહ્યું છે કે વર્ષ 2012માં જમીન માટે તેમણે અરજી કરી હતી. જોકે, તેની સામે 2014માં કોર્પોરેશન દ્વારા અલગ રીસોલ્યુશન લાવવામાં આવ્યું હતું.

વધુમાં યુસૂફ પઠાણે આરોપ લગાવતા કહ્યું છે કે તાજેતરમાં જ લોકસભા ચૂંટણીનાં પરિણામ આવ્યા છે અને હું અલગ પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યો હોવાથી માંને હેરાન કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વધુમાં યુસૂફ પઠાણે રજૂઆત કરી છે કે વડોદરા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલવામાં આવ્યું તે જરૂરી નથી. કારણ કે આ જમીન કોર્પોરેશનની માલિકીની છે જેના માટે રાજ્ય સરકારને પ્રપોઝલ મોકલવાની જરૂર ન હતી.

તો, યુસૂફ પઠાણની રજૂઆત સામે હાઇકોર્ટે સવાલ કરતાં પૂછ્યું હતું કે તમે 10 વર્ષમાં કેમ કઈ ન કર્યું? જેનો જવાબ આપતા યુસુફ પઠાણે કહ્યું હતું કે 6 જૂનના રોજ અચાનક નોટિસ મોકલવામાં આવી હતી. અમને નોટિસ મોકલવામાં આવી હતી અને જો અમે જમીન ખાલી નહી કરીએ તો અમારી જમીન પર સીધું જ બુલડોઝર ફેરવી દેવામાં આવશે. સમગ્ર મામલે ગુઆજરાત હાઇકોર્ટે વડોદરા કોર્પોરેશન પાસે ખુલાસો માંગ્યો છે.