ફોરેસ્ટ વિભાગે બામણા ગામની ગૌચર જમીનમાં વનીકરણની કર્યું, ગ્રામજનોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો

ચિરાગ મેઘા સાબરકાંઠા: ફોરેસ્ટ વિભાગે ગૌચર પચાવી પાડવાના મામલે હવે બામણા ગ્રામજનો લડતના મૂડમાં જોવા મળી રહ્યા છે. અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં ન આવતા આજે ગ્રામજનોએ ટ્રેક્ટરો લઈ હિંમતનગર ખાતે આવી રેલી કાઢી ભારે વિરોધ નોંધાવ્યો હતો.

હિંમતનગર તાલુકાના બામણા ગામમાં 75 હેકટર ગૌચર ફોરેસ્ટ વિભાગે પચાવી પાડી વનીકરણની કામગીરી શરૂ કરતાં ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. અનેક રજૂઆત બાદ પણ તંત્ર આ મુદ્દો ધ્યાને ન લેતા આજે ગ્રામજનો હિંમતનગર આવી પહોંચ્યા હતા અને પ્લે કાર્ડ તેમજ સુત્રોચાર સાથે મોટી રેલી યોજી હતી. ન્યાય માટે અધિક કલેકટરને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

ગામની એક બાજુ મોટું હાથમતી જળાશય આવેલું છે તો બીજી મોટો ડુંગર આવેલો છે. ગામના પશુઓ માટે એક માત્ર આધાર ગામનું ગૌચર હતું અને તે ગૌચર ફોરેસ્ટ વિભાગે પચાવી પડતા ગ્રામજનોની હાલત દયનિય બની છે. બીજી બાજુ ફોરેસ્ટ વિભાગ પણ આ જમીન તેમની હોવાનો દાવો કરી રહ્યું છે.

એક બાજુ ગ્રામજનો આ જમીન ગૌચરની હોવાનો દાવો કરી રહ્યા છે. બીજી બાજુ ફોરેસ્ટ વિભાગ પણ આ જમીન જંગલની હોવાનો દાવો કરી રહ્યું છે. ત્યારે હવે જોવું એ રહ્યું કે ભારતના સુપ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોશીના ગામ બામણાને ક્યારે ન્યાય નસીબ થાય છે.