October 22, 2024

કેનેડા સાથે તણાવ, LAC વિવાદ અને પાકિસ્તાન સાથેના સંબંધોને લઈને બોલ્યા એસ. જયશંકર

S Jaishankar on Canada, Pakistan And China: વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કેનેડા સાથેની ખટાશ, ચીન સાથે LAC વિવાદ અને પાકિસ્તાનની તેમની મુલાકાત વિશે ખુલીને વાત કરી છે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે કયો દેશ ભારત માટે સમસ્યા અથવા મોટો પડકાર છે. સોમવારે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે કહ્યું, “હું એમ નહીં કહું કે સમગ્ર પશ્ચિમી દેશોમાં સમજ નથી. તેઓ સમજે છે, ઘણા લોકો એડજસ્ટ પણ કરે છે. કેટલાંક વધારે કરે છે કેટલાંક ઓછું કરે છે, પરંતુ હું કહીશ કે કેનેડા આ બાબતમાં પાછળ છે તેમની સાથેના સંબંધોની વર્તમાન સ્થિતિની કલ્પના કરવી મુશ્કેલ છે.

ચીન સાથે ભારતના સંબંધોને લઈને ડો. એસ. જયશંકરે કહ્યું કે આપણે પાડોશી દેશો છીએ અને આપણી સરહદોનો મુદ્દો હજુ વણઉકેલાયેલો છે. જો એક જ સમયગાળામાં બે દેશો પ્રગતિ કરી રહ્યા હોય તો સ્થિતિ સરળ નથી હોતી. મને લાગે છે કે મુત્સદ્દીગીરીની ઘણી જરૂર પડશે. આપણી વચ્ચે સંતુલન કેવી રીતે આવશે, મને લાગે છે કે આ સૌથી મોટો પડકાર છે. LAC સરહદ વિવાદ પર સીધા મોઢાની વાત કરતાં વિદેશ મંત્રીએ કહ્યું કે આપણે તે પેટ્રોલિંગ પોઈન્ટ સુધી જઈ શકીશું જ્યાં વર્ષ 2020માં ભારત તરફથી પેટ્રોલિંગ કરવામાં આવતું હતું.

રશિયાને લઈને વિદેશ મંત્રીએ શું કહ્યું?
ઇન્ટરવ્યૂ દરમિયાન રશિયાને લઈને પૂછવામાં આવતા વિદેશ મંત્રીએ કહ્યું કે જો રશિયાની સાથે આપણાં ઇતિહાસને જોઈએ તો તમે જોશો કે તેણે ક્યારેય આપણાં વિરુદ્ધ કોઈ કામ નથી કર્યું. જોકે, પશ્ચિમી દેશો સાથેની તેની સ્થિતિ થોડી અલગ છે. સંબંધો તૂટી ચૂક્યા છે. તે હવે એશિયા તરફ જોઈ રહ્યું છે. તેની પાસે વધારે વિકલ્પો નથી. રશિયા કુદરતી સંસાધનોથી ભરપૂર મહાશક્તિ છે. સંપૂર્ણ ઈકોનોમિક તર્ક છે, પરંતુ વ્યૂહાત્મક તર્ક પણ છે.”

એશિયામાં પાડોશી દેશોને લઈને પણ કહી મહત્વની વાત
માલદીવ અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોને લઈને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, “આજે આપણા પડોશી દેશો લોકશાહી છે. તેનો અર્થ એ છે કે ત્યાં પરિવર્તન આવતા રહેશે. પરિસ્થિતિઓ ઉપર-નીચે જતી રહેશે. તમે જુઓ જ્યારે શ્રીલંકા વિકટ પરિસ્થિતિમાં મુકાયું ત્યારે ભારત જ આગળ આવ્યું હતું. તમે ત્યાં ઘણા રાજકીય પરિવર્તનો જોવા મળશે. પરંતુ જો આપણે પાડોશી દેશોમાં રોકાણ કરીશું તો સમગ્ર પ્રદેશનો વિકાસ થશે.

પાકિસ્તાનને લઈને વિદેશ મંત્રીએ આપ્યો આ જવાબ
ડૉ. એસ. જયશંકરને ઇન્ટરવ્યૂ દરમિયાન પાકિસ્તાન વિશે પણ સવાલો પૂછવામાં આવ્યા. તેમણે સ્પષ્ટતા કરી કે, “હું ત્યાં પૂર્વ પીએમ નવાઝ શરીફ (હાલના પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફના ભાઈ)ને નહોતો મળ્યો. હું માત્ર SCO કોન્ફરન્સ માટે જ ગયો હતો. હું અને ભારત ખૂબ જ સપોર્ટિવ SCO પાર્ટનર્સ રહ્યા. અમે ગયા, તેમને (પાકિસ્તાનીઓને મળ્યા) મળ્યા, હાથ મિલાવ્યા, અમારી સારી મુલાકાત થઈ અને પછી અમે પાછા આવી ગયા.”