November 22, 2024

સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ઘૂસ્યા ખાડીના પાણી, પોલીસ સ્ટાફે સફાઈ કામગીરી કરી

અમિત રૂપાપરા, સુરત: સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ખાડીના પાણી ઘૂસી ગયા હતા. ત્યારે હવે છેલ્લા દસ કલાકથી વરસાદ બંધ છે ત્યારે સરથાણા પોલીસ સ્ટેશનમાંથી ખાડી પૂરના પાણી ઉતરવા લાગ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. તો પોલીસ સ્ટેશનના તમામ રૂમમાં કાદવ ઘૂસી ગયો હતો. તેથી સુરત મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા તાત્કાલિક અસરથી પોલીસ સ્ટેશનની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી ભારે વરસાદના કારણે ખાડી પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. સુરતના પર્વત પાટિયા, સરથાણા, લીંબાયત, વેસુ વીઆઈપી રોડ, અલથાણ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા હતા. ત્યારે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પણ ખાડી પૂરનું પાણી ઘૂસી ગયું હતું. ખાડીના પાણી પોલીસ સ્ટેશનમાં ઘૂસતા પોલીસ સ્ટેશનના તમામ અગત્યના ડોક્યુમેન્ટ ટેબલ ખુરશી પર મૂકવામાં આવ્યા હતા.

પોલીસ સ્ટેશનમાં રહેલા સોફા અને ખુરશી સહિતનો તમામ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ત્યારે હવે છેલ્લા દસ કલાકથી જ્યારે સુરત શહેરમાં વરસાદ બંધ થયો છે. ત્યારે ખાડી પૂરના પાણી ધીમે ધીમે ઉતરવા લાગ્યા છે અને સરથાણા પોલીસ સ્ટેશનમાં કાદવ અને કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ ઉપરાંત ખાડીના પાણીની સાથે પ્લાસ્ટિક અને પેપર સહિતનો કચરો પણ પોલીસ સ્ટેશનમાં તણાઈ આવતા પોલીસ સ્ટેશનમાં ગંદકી પણ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી આફત બાદ રાજ્યના 16 સ્ટેટ હાઈવે સહિત 564 રસ્તાઓ બંધ

ખાડીના પાણી પોલીસ સ્ટેશનમાંથી ઉતરતાની સાથે જ પોલીસ સ્ટેશનમાં સુરત મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સૌપ્રથમ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં રહેલો કાદવ કીચડ દૂર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ પોલીસ સ્ટેશનને પાણીથી ધોવામાં આવ્યું હતું. આ જ પ્રકારે સુરતના જે જે વિસ્તારોમાં મકાનોમાંથી પાણી ઉતારવા લાગે છે ત્યાં તાત્કાલિક જ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ જ રીતે સુરતના અલગ-અલગ વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. જેથી ખાડીપુર બાદ સુરતમાં રોગચાળાની સ્થિતિ ઊભી ન થાય.