November 24, 2024

નવસારીમાં ધોધમાર વરસાદ બાદ ખરસાડ ગામમાં જળબંબાકારની સ્થિતિ

જીગર નાયક, નવસારી: નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે નવસારી જિલ્લાની લોકમાતાઓ બંને કાંઠે વહેતી થઈ છે. નવસારી જિલ્લાના ચીખલી પાસેથી પસાર થતી કાવેરી નદીની જળ સપાટીમાં વધારો થતા ચીખલી રિવરફ્રન્ટ પાસે આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ બન્યું છે. સમગ્ર મંદિર પરિસરમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે.

વલસાડ જિલ્લામાં બે દિવસ થી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વલસાડ શહેરમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે વલસાડ શહેરના મિશન કોલોની પાછળ આવેલ બેઠલ બોયસ હોસ્ટેલના પાછળ આવેલા મેદાનમાં પાણી ભરાતા 5થી 6 જેટલા ઘરોમાં બે દિવસથી ગૂંટણસમા પાણી ભરાયા છે. જેના કારણે રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બે દિવસ થી ઘરોમાં પાણી રહેતા રહીશો રસોઈ બનાવી શકતા નથી તો સાથે ઘરોની બહાર નીકળી પણ નથી શકતા.

વર્ષ 2013થી વરસાદના કારણે આ વિસ્તારમાં પાણી ભરાય જતા હોય છે. સ્થાનિકો દ્રારા દર વર્ષે પાણીનો નિકાલ કરવા માટે નાળાઓ નાંખવા તથા ગટર બનાવવા માંગ કરવા છતા તંત્રના એક પણ અધિકારી દ્રારા અહીંયા પાણી નિકાલની કોઈ પણ વ્યવસ્થા ન કરવાના કારણે સ્થાનિકો હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં તંત્રના પાપે સ્થાનિકો દર વર્ષે પાણીમાં રહેવા મજબુર બન્યા છે.

બીજી તરફ ખરસાડ ગામના વરસાદી પાણી ભરાયાનો ડ્રોન વીડિયો પણ સામે આવ્યો છે. 1800 ગામની વસ્તી ધરાવતા ખરસાડ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. આ ડ્રોન કેમેરાના નજારામાં વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે ખેતી વિસ્તાર ધરાવતા ખરસાડ ગામમાં ખેતરો પણ જળબંબાકાર બની ગયા છે. ગામમાં વરસાદી પાણી ભરાતા સવારથી વીજ પાવર બંધ કરાયો છે.