September 8, 2024

અમદાવાદમાં ચાંદીપુરા વાયરસે લીધો 6 વર્ષીય બાળકનો ભોગ

અમદાવાદ: અમદાવાદમાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ બાળ દર્દીનું મૃત્યુ થયું છે. શહેરના મોટેરા સ્ટેડિયમ નજીક રહેતા 6 વર્ષીય બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મૃત્યુ થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 વર્ષીય બાળકને ઝાડા-ઉલટી અને તાવની ફરિયાદ બાદ બાળદર્દીને દાખલ કરાયો હતો. જોકે બાળકની તબિયત વધુ ખરાબ થતાં 16 જુલાઈના વેંટિલેટર પર રખાયું હતું. જે બાદ ગઈકાલે 6 વર્ષીય બાળકનું મૃત્યુ થયું. બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકાએ કરાવેલા 12 રિપોર્ટમાંથી 3 દર્દી પોઝિટિવ આવ્યા હતા. જેમાં લાંભાનું 11 મહિનાનું બાળક હાલ LG હોસ્પિટલમાં વેંટિલેટર પર છે. દાણીલીમડામાં રહેતા 7 વર્ષીય બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જોકે તેની તબિયત સુધારા પર છે.

બીજી તરફ વડોદરામાં વરસાદના વિઘ્ન વચ્ચે ચંદીપુરાનો કહેર યથાવત છે. અહીં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસની સારવાર લેતા બાળકનુ મોત થયું છે. રાજપીપળાનું ચાર વર્ષીય બાળક ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતું પરંતુ સારવાર દરમિયાન હોસ્પિટલમાં બાળકે અંતિમ શ્વાસ લીધા હતા.જોકે બાળકનો ચાંદીપુરા વાઇરસનો ટેસ્ટ રિપોર્ટ હજી આવવાનો બાકી છે. SSG હોસ્પિટલમાં પણ શંકાસ્પદ ચાંદીપુરાના બે બાળ દર્દીઓ દાખલ છે. SSGમાં હાલ કુલ 14 બાળકો શંકાસ્પદ ચાંદીપુરાની સારવાર લઈ રહ્યા છે. 14 પૈકી સાત બાળકો ICU માં અને સાત બાળકો વોર્ડમાં દાખલ છે.

આ પણ વાંચો: સુરત: કેન્સર પીડિત યુવતી સાથે અલગ-અલગ હોટલમાં દુષ્કર્મ બાદ 90 લાખની છેતરપિંડી

રાજકોટમાં વધુ એક ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. મૂળ મધ્યપ્રદેશના અને લોધિકા તાલુકામાં 10 દિવસથી રહેતા બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો દેખાયા છે. 9 વર્ષના બાળકમાં ચાંદીપુરના રોગના લક્ષણો જોવા મળતા દર્દીના સેમ્પલ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. હાલ બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયું છે.

જાણો શું છે ચાંદીપુરા વાયરસ?
ચાંદીપુરા વાયરસથી મગજમાં સોજો આવી જાય છે અને સંક્રમિત દર્દીનું મોત થાય છે. મચ્છર અને માખીઓને કારણે આ વાયરસ ફેલાય છે. .બે દિવસમાં ચાર બાળકોના મોત થતા અસરગ્રસ્ત દર્દીઓના ઘરે અને વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.