November 24, 2024

મહેસાણામાં ફાયર સ્ટેશન પાસે 3 માળથી ઉપર જઈ શકાય તેવી સીડી જ નથી

મહેસાણા: ગુજરાતના મોટા શહેરોમાં સરકારી ફાયર સ્ટેશન પાસે કેવી અને કેટલી સુવિધા ઉપલબ્ધ છે તે જાણવા માટે ન્યુઝ કેપિટલ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તર ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા મહેસાણા શહેરના ફાયર સ્ટેશનમાં અનેક સુવિધાઓનો અભાવ હોવાની વિગત સામે આવી છે. મહેસાણા નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશન પાસે ત્રણ માળથી ઉપર જઈ શકાય તેવી સીડી જ ઉપલબ્ધ નથી. તો કાયમી 21 કર્મચારીના મહેકમ સામે માત્ર 16 જ કાયમી કર્મચારી ફરજ બજાવે છે. તો 21 જેટલા આઉટ સોર્સના કર્મચારી ફાયર સ્ટેશનમાં ફરજ બજાવે છે.

આગ હોય કે પછી કોઈ અકસ્માત કે પછી કેનાલમાં કે પાણીમાં ડૂબવાની ઘટના. આવા સમયે ફાયર ટીમનું મહત્વ વધી જાય છે. આ કારણે રાજ્યના તમામ શહેરોમાં જ્યાં જ્યાં નગરપાલિકા વિસ્તાર છે ત્યાં ફાયર સ્ટેશનની સરકાર દ્વારા સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. પણ આ સ્ટેશન બન્યા પછી તેમાં પૂરતા સ્ટાફ અને સાધનોની જોગવાઈ કરવામાં તંત્ર આજે પણ ઉણું જ ઉતર્યું છે. મહેસાણા નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશનની વાત કરવામાં આવે તો આ ફાયર સ્ટેશન હાલ આઉટ સોર્સના કર્મચારીઓના સહારે હોય તેવો ઘાટ ઘડાયો છે. આ સ્ટેશનમાં 21 કાયમી કર્મચારીનું મહેકમ મંજુર થયેલું છે. પણ હાલમાં 16 જ કાયમી કર્મચારી આ સ્ટેશન ખાતે ફરજ બજાવે છે. જ્યારે 21 આઉટ સોર્સના કર્મચારી ફરજ બજાવે છે. આમ વર્તમાન મહેકમ પ્રમાણે હાલ આ સ્ટેશન ખાતે 6 જેટલા કર્મચારીની ઘટ જોવા મળી રહી છે. સાધનોની વાત કરવામાં આવે તો આ ફાયર સ્ટેશન ખાતે 2 બ્રાઉઝર, ત્રણ ફાયર ફાયટર, બે એબ્યુલન્સ, રેસ્ક્યૂ માટે બે વાન અને ત્રણ બોટની સુવિધા આપવામાં આવી છે. જો કે વર્તમાન સમયમાં વધી રહેલા કોલને કારણે સ્ટાફની સંખ્યા ખૂબ ઓછી હોવાનો ફાયર સમિતિના ચેરમેન દ્વારા મત વ્યક્ત કરવામાં આવ્યો છે.

મહેસાણાનો વિકાસ છેલ્લા કેટલાક વર્ષોમાં રોકેટ ગતિએ થયો છે. મહેસાણા શહેરમાં પાછલા 6 વર્ષમાં હાઈ રાઈઝ બિલ્ડીંગને પણ પરવાનગી આપવામાં આવી છે. તો સમગ્ર જિલ્લામાં સૌથી મોટું ફાયર સ્ટેશન માત્ર મહેસાણા નગરપાલિકા પાસે જ ઉપલબ્ધ છે. આ કારણે મેજર આગ કોલ હોય કે કેનાલમાં ડૂબવાની ઘટના હોય ત્યારે મહેસાણા નગરપાલિકાને ફાયર કોલ આપવામાં આવે છે. આ કારણે મહેસાણા શહેરમાં અદ્યતન ફાયર સ્ટેશનનું મહત્વ વધી જાય છે. જો કે હાલમાં મહેસાણા નગરપાલિકા સંચાલિત ફાયર સ્ટેશન પાસે ત્રણ માળથી ઉપર જઈ શકાય તેવી સીડી જ ઉપલબ્ધ નથી.

મહેસાણા શહેર ટૂંક સમયમાં મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે. જો કે હાલમાં ફાયર સ્ટેશન પાસે નાના શહેર જેટલી જ સુવિધા ઉપલબ્ધ છે. ત્યારે ફાયરના કર્મચારીઓની રેગ્યુલર ભરતી કરી યોગ્ય સાધન ફાળવવમાં આવે તેવી લોક માગ છે.