January 23, 2025

Ram Gopal Varma: ચેક બાઉન્સ કેસમાં રામ ગોપાલ વર્મા દોષિત, બિનજામીનપાત્ર વોરંટ જારી

Ram Gopal Varma Convicted: જાણીતા ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માને લાંબા સમયથી ચાલતા ચેક બાઉન્સ કેસમાં મુંબઈની એક કોર્ટે ત્રણ મહિનાની જેલની સજા ફટકારી છે. કોર્ટના આ નિર્ણયથી ઘણા વર્ષોથી ચાલી રહેલી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાએ તેમની આગામી ફિલ્મ સિન્ડિકેટની જાહેરાત કરી તેના એક દિવસ પહેલા, અંધેરી મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક બાઉન્સ કેસમાં ચુકાદો જાહેર કરવા માટે મંગળવાર નક્કી કર્યો હતો.

કેસની સુનાવણી સાત વર્ષ સુધી ચાલી
હવે એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સાત વર્ષ સુધી કેસની સુનાવણી કર્યા પછી, મુંબઈની એક કોર્ટે આખરે આજે તેમના નામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. રામ ગોપાલ વર્માને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેલની સજા ઉપરાંત, રામ ગોપાલ વર્માએ ફરિયાદીને વળતર તરીકે રૂ. 3.75 લાખ ચૂકવવા પડશે અને જો તે ત્રણ મહિનાની અંદર આમ કરવામાં નિષ્ફળ જાય, તો તેને ત્રણ મહિનાની વધારાની જેલની સજા ફટકારવામાં આવશે.

શું છે આખો મામલો?
આ મામલો શ્રી નામની કંપની દ્વારા મહેશચંદ્ર મિશ્રા દ્વારા 2018માં રામ ગોપાલ વર્માની પેઢી વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી ફરિયાદમાંથી શરૂ થયો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રામ ગોપાલ વર્મા દ્વારા જારી કરાયેલ ચેક ઓછી રકમને કારણે બાઉન્સ થઈ ગયો હતો. જૂન 2022માં ડિરેક્ટરને 5000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ અને સિક્યોરિટી ડિપોઝિટ ભર્યા બાદ જામીન આપવામાં આવ્યા હતા. મેજિસ્ટ્રેટે સ્પષ્ટતા કરી કે ફોજદારી કાર્યવાહી સંહિતાની કલમ 428 હેઠળ કોઈ ‘સેટ-ઓફ’ થશે નહીં કારણ કે રામ ગોપાલ વર્મા ટ્રાયલ દરમિયાન કસ્ટડીમાં ન હતા. ઘણી સુનાવણીઓ અને કાનૂની કાર્યવાહી પછી, કોર્ટે ફિલ્મ નિર્માતા વિરુદ્ધ ચુકાદો આપ્યો, અને કહ્યું કે આરોપો સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે.