October 23, 2024

જામિયા યુનિવર્સિટીમાં દિવાળીની ઉજવણીને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ

Jamia University: દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં મંગળવારે રાત્રે દિવાળીની ઉજવણી દરમિયાન વિવાદ જોવા મળ્યો હતો. હકિકતે, ABVP સાથે સંકળાયેલા કેટલાક વિદ્યાર્થીઓ દિવાળીની ઉજવણી માટે દીવા પ્રગટાવી રહ્યા હતા અને રંગોળી બનાવી રહ્યા હતા. આ દરમિયાન અન્ય વિદ્યાર્થી જૂથે આનો વાંધો ઉઠાવ્યો અને ડેકોરેશન તોડી નાખ્યું, ત્યારબાદ વિવાદ શરૂ થયો. બંને પક્ષોએ સામસામે સૂત્રોચ્ચાર કર્યા. આ દરમિયાન જામિયાના ગેટ નંબર 7 પર મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. હકિકતે, એબીવીપીએ દિવાળીની ઉજવણી માટે હાકલ કરી છે.

જામિયામાં દિવાળી પર લડાઈ
દિવાળીની ઉજવણી માટે ABVPના એલાન બાદ જામિયાની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે જામિયા કેમ્પસમાં દિવાળીની ઉજવણી દરમિયાન વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. દિલ્હી પોલીસનું કહેવું છે કે યુનિવર્સિટી પ્રશાસને યુનિવર્સિટી કેમ્પસમાં દિવાળી સેલિબ્રેશનની પરવાનગી આપી નથી. બીજી બાજુ, પોલીસનું કહેવું છે કે પોલીસે યુનિવર્સિટીની બહાર દિવાળીની ઉજવણી માટે કોઈ પરવાનગી આપી નથી. મળતી માહિતી મુજબ, આ હંગામો કેમ્પસના ગેટ નંબર 7 પાસે થયો હતો. તમને જણાવી દઈએ કે આ દરમિયાન બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી.

મોટી સંખ્યામાં પોલીસ તૈનાત
જોકે બાદમાં પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના મંગળવારે સાંજે લગભગ 7.30 થી 8 વાગ્યાની આસપાસ બની હતી. આ સમય દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓનું એક જૂથ દિવાળી માટે કેમ્પસમાં દીવા પ્રગટાવતું હતું અને રંગોળી બનાવી રહ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓનું બીજું જૂથ આનાથી ગુસ્સે થઈ ગયું અને તેઓએ દિવાળીના શણગારને તોડી નાખ્યું અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને કેમ્પસના ગેટ નંબર 7 પાસે મોટી સંખ્યામાં પોલીસ તૈનાત કરવામાં આવી છે.