December 14, 2024

વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે પ્રિયંકા ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર, કર્યો રોડ-શો

Wayanad Lok Sabha Bypoll: કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે ​​વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે. આ દરમિયાન તેમની સાથે માતા સોનિયા ગાંધી, ભાઈ રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. અગાઉ તેમણે સ્થાનિક આગેવાનોની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમણે રાહુલ ગાંધી સાથે રોડ-શો કર્યો હતો. જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી વાયનાડ પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર નવ્યા હરિદાસનો સામનો કરવા જઈ રહ્યા છે.

રોડ શોમાં સામેલ થયા આ નેતાઓ
પ્રિયંકા ગાંધીના રોડ શોમાં રાહુલ ગાંધી ઉપરાંત તેમના માતા સોનિયા ગાંધી અને પતિ રોબર્ટ વાડ્રા પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલ અને અન્ય પાર્ટીના નેતાઓએ પણ આ રોડ શોમાં ભાગ લીધો હતો.

પ્રિયંકા ગાંધીએ કર્યું લોકોને સંબોધન
પ્રિયંકા ગાંધીએ રોડ શોમાં લોકોને સંબોધિત પણ કર્યા હતા. તેમણે કહ્યું, “છેલ્લા 35 વર્ષથી હું અલગ-અલગ ચૂંટણીઓ માટે પ્રચાર કરી રહી છું. આ પહેલીવાર છે જ્યારે હું મારા માટે તમારું સમર્થન માંગી રહી છું. આ ખૂબ જ અલગ લાગણી છે. હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની પણ ખૂબ આભારી છું કે તેમણે મને વાયનાડમાંથી ઉમેદવાર બનવાનું સૌભાગ્ય આપ્યું.”

તેણે આગળ કહ્યું, “સત્ય અને અહિંસાએ મારા ભાઈ રાહુલ ગાંધીને એકતા અને પ્રેમ માટે દેશભરમાં 8000 કિમી ચાલવા માટે પ્રેરિત કર્યા. જ્યારે આખી દુનિયા તેના વિરોધમાં હતી ત્યારે તમે લોકો તેની સાથે ઉભા રહ્યા હતા. મારા ભાઈને લડવા માટે તમે લોકોએ સાહસ આપ્યું. મારો આખો પરિવાર તમારો ઋણી છે. મને ખબર છે કે રાહુલ ગાંધીએ તમને છોડવા પડ્યા અને હું તમને વચન આપું છું કે હું તમારા અને તેમની વચ્ચેના સંબંધોને મજબૂત કરીશ. તેમણે મને કહ્યું છે કે તમારે કઈ મોટી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. મારા ભાઈએ મને જણાવ્યું છે કે તમારા લોકોની સમસ્યાઓ શું-શું છે. હું તમારા ઘરે આવવા માંગુ છું અને તમારી પાસેથી સીધી રીતે સમજવા માંગુ છું કે તમારી સમસ્યાઓ શું છે અને તેનું સમાધાન કેવી રીતે લાવી શકાય.

તો, સાથે સાથે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પણ રોડ-શોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે વાયનાડ દેશનો એવો ચૂંટણી મતવિસ્તાર છે જ્યાં બે સાંસદો છે જ્યાં એક સત્તાવાર સાંસદ અને એક અનૌપચારિક સાંસદ.