July 2, 2024

મેડિકલનો અભ્યાસ કરવો પડશે મોંઘો, 13 GMERS મેડિકલ કોલેજોમાં કરાયો ધરખમ ફી વધારો

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: મેડિકલનો અભ્યાસ કરીને તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા વિદ્યાર્થીઓને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં હવે મેડિકલનો અભ્યાસ કરવો મોંઘો બની ગયો છે. જાણવા મળી રહ્યું છે કે ગુજરાતની 13 જેટલી મેડિકલ કોલેજોમાં ફીમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, આવનાર સમયમાં ગુજરાતમાં મેડિકલનો અભ્યાસ કરવો મોંઘો પાડવાનો છે. GMERSની 13 કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જાહેરાત કરવામાં આવી છે કે નવો ફી વધારો ચાલુ શૈક્ષણિક વર્ષ 20 24-25થી લાગુ કરવામાં આવશે. તો જાહેરાત મુજબ, સરકારી કોટાની 75% એટલે કે 1500 બેઠકો માટે વિદ્યાથીઓ 5.50 લાખ ફી ભરવી પડશે. એટલે કે, સરકારી કોટાની ફી 3.40 લાખ થી વધારીને 5.50 લાખ કરવામાં આવી છે.

તો બીજી બાજુ, મેનેજમેન્ટ ક્વોટાની 210 બેઠકો માટેની ફીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. મેનેજમેન્ટ ક્વોટાની ફી 9.07 લાખથી વધારીને 17 લાખ કરવામાં આવી છે. તો સાથે સાથે, NRI ક્વોટાની 315 બેઠકોમાં પણ વાર્ષિક ફીમાં વધારો કરીને 20000 ડોલરથી 25000 ડોલર કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે ગત વર્ષે પણ મેડિકલ કોલેજોની ફીમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ વાલીઓના વિરોધ બાદ આ ફી વધારો પરત ખેંચવામાં આવ્યો હતો.