November 22, 2024

14 માર્ચે દિલ્હીમાં ખેડૂતો મહાપંચાયત યોજશે…!, જાણો કઈ સરહદો ખુલ્લી રહેશે અને કઈ બંધ

Kisan Mahapanchayat: કિસાન સંયુક્ત મોરચાએ 14 માર્ચે દિલ્હીમાં મહાપંચાયત યોજવાની જાહેરાત કરી છે. 13 ફેબ્રુઆરીથી ખેડૂતો MSP, વૃદ્ધાવસ્થા પેન્શન, દેવામાંથી મુક્તિ અને શ્રમ સંહિતા પાછી ખેંચવાની સાથે અન્ય કેટલાક મુદ્દાઓ સામે વિરોધ કરી રહ્યા છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચાએ મળીને દિલ્હીમાં મહાપંચાયતનું આહ્વાન કર્યું છે. જો 14મીએ દિલ્હીમાં પંચાયત છે જેના કારણે કેટલીક સરહદો બંધ કરે તેવી સંભાવના છે.

આ સરહદો બંધ રહેશે અને ખુલ્લી રહેશે
‘દિલ્હી ચલો’ ના નારા આપતા ખેડૂતો હાલ દિલ્હીની શંભુ અને ખનૌરી બોર્ડર પર છે. બીજી બાજુ દિલ્હીમાં ખેડૂતોના પ્રવેશને રોકવા માટે દિલ્હી પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ભારે બેરિકેડિંગ કરવામાં આવ્યું છે. ખેડૂતોના જૂથને રોકવા માટે દિલ્હી પોલીસે દિલ્હીની કેટલીક સરહદો બંધ કરી દીધી છે. જેમાં શંભુ બોર્ડર, ખનૌરી બોર્ડર, ડબવાલી સિરસા અને ગાઝીપુર બોર્ડર સામેલ છે અને બીજી બાજુ દિલ્હીમાં પ્રવેશ માટે સિંઘુ બોર્ડર અને ટિકરી બોર્ડર ખુલ્લી રાખવામાં આવી છે. હાલ આ તમામ સરહદો પર અર્ધલશ્કરી દળોની સાથે દિલ્હી પોલીસની મોટી ટુકડી પણ હાજર છે.

29 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે
નોંધનીય છે કે 13 ફેબ્રુઆરીથી ખેડૂતો કેન્દ્ર સરકાર સમક્ષ પોતાની માંગણીઓ પર અડગ છે. ખેડૂતો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર કાનૂની ગેરંટી માંગી રહ્યાં છે. સાથે સાથે માંગણીઓમાં ખેડૂતો અને ખેત મજૂરો માટે પેન્શન, વીજળીના દરમાં વધારો થયો છે તે માટે અને ખેડૂતોની લોન માફ કરવાની માંગણીઓ કરી છે. સરકાર દ્વારા નવા કાયદાઓ પસાર કરવામાં આવ્યા બાદ ખેડૂતોએ આંદોલન કર્યું હતું, ત્યારબાદ સરકારે તેના કાયદા પાછા ખેંચ્યા હતા અને MSP પર ગેરંટી આપવાની ખાતરી આપી હતી, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. હવે તેઓ ફરીથી વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે, અત્યાર સુધી આ આંદોલન 29 દિવસથી ચાલી રહ્યું છે.