MSP મુદ્દે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે ફરી મંત્રણા…!
નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનના મુદ્દે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે આજે ફરી ત્રીજી વખત વાતચીત થશે. નોંધનયી છે કે આ પહેલા 8મી અને 12મી ફેબ્રુઆરીએ સરકાર અને ખેડૂતો વચ્ચે બેઠક યોજાઇ હતી. જોકે અગાઉ થયેલી બેઠકમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. એમએસપી મુદ્દે સરકારના ઇનકારને કારણે વાટાઘાટોમાં કોઈ પરિણામ આવ્યું નથી. હવે કેન્દ્ર સરકારે ખેડૂત સંગઠનના નેતાઓને ત્રીજા રાઉન્ડની વાતચીત માટે આમંત્રણ આપ્યું છે. ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે જણાવ્યું હતું કે છે કે ત્રણ કેન્દ્રીય મંત્રીઓની ટીમ તેમની વિવિધ માંગણીઓને લઈને ગુરુવારે સાંજે ખેડૂત નેતાઓ સાથે ફરી મુલાકાત કરશે. કેન્દ્ર સરકાર તરફથી કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડા, પીયૂષ ગોયલ અને નિત્યાનંદ રાય બેઠકમાં ભાગ લેશે. સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) અને કિસાન મજદૂર મોરચા તેમની વિવિધ માંગણીઓ માટે કેન્દ્ર પર દબાણ લાવવા માટે ‘દિલ્હી ચલો’ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. પાક માટે MSP અને લોન માફીનો કાયદો બનાવવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે. સરકારની સાથે ખેડૂતોને પણ આશા છે કે મંત્રણા બાદ આજે આંદોલન પુરુ થશે.
શું કહે છે ખેડૂત સંગઠનો?
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે અમે કેન્દ્ર સરકાર સાથે વાતચીત માટે તૈયાર છીએ. બીજી બાજુ ભારતીય કિસાન યુનિયન (એકતા સિદ્ધુપુર)ના પ્રમુખે કહ્યું કે અમે તેમની સંમતિ બાદ વાતચીત કરીશું. અમારી પ્રાથમિકતા એ છે કે આ વાતચીત ચંડીગઢમાં થવી જોઈએ. જો કેન્દ્ર સરકાર આ બધું જોયા પછી અમારા મુદ્દાઓ ઉકેલવા માટે તૈયાર છે તો આપણે તેમની વાત સાંભળવી જોઈએ. કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ પંઢેરે જણાવ્યું હતું કે મંગળવારે રાત્રે વાતચીત માટે સંદેશો મળ્યો હતો ત્યાર બાદ અમે વાત કરવાનું નક્કી કર્યું હતું. ખેડૂત આગેવાને કહ્યું કે અમે પૂર્ણ વિશ્વાસ સાથે બેઠકમાં જઈ રહ્યા છીએ. અમે આશા રાખીએ છીએ કે આજે કેટલીક મંત્રણા પછી એક સુખદ ક્ષણ ઉભરી આવશે. વધુમાં કહ્યું જ્યાં સુધી બેઠક નહીં થાય ત્યાં સુધી તેઓ દિલ્હી તરફ જવાનો પ્રયાસ કરશે નહીં. કેન્દ્રની દરખાસ્તોના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેન્દ્રએ ખેડૂતોને ‘ઉશ્કેરવાનો’ પ્રયાસ કર્યો છે. તેમણે ખેડૂતો પર જાણીજોઈને બળનો ઉપયોગ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. બીજી બાજુ ખેડૂત નેતાએ દાવો કર્યો હતો કે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે અને તેમના ફોન પણ ‘ટ્રેક’ કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર શું પગલાં લેશે?
ખેડૂતો આંદોલન મુદ્દે કેન્દ્ર સરકાર વતી કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડા, કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય વાતચીત કરશે. માહિતી અનુસાર કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ એમએસપી પર પાકની ખરીદી માટે કાયદાકીય ગેરંટી સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે નવી સમિતિની રચના કરવાની ઓફર કરે તેવી સંભાવના છે. જો કે, આંદોલનકારીઓએ ધમકી આપી હતી કે જો સરકાર તેમની માંગણીઓ સાથે સંમત નહીં થાય તો હરિયાણામાં લગાવવામાં આવેલા તમામ બેરિકેડ્સને તોડી નાખશે. અગાઉ બુધવારે ખેડૂતોની દિલ્હી તરફની કૂચના બીજા દિવસે પંજાબ-હરિયાણા બોર્ડરના શંભુ અને ખનૌરી વિસ્તારોમાં વિરોધીઓ અને હરિયાણા પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. બુધવારે હરિયાણા પોલીસે દેખાવકારોને રોકવા માટે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો.
શું છે ખેડૂતોની માંગ?
ખેડૂતોનું કહેવું છે કે સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર તમામ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ માટે કાયદો બનાવવો જોઈએ. ખેડૂતો અને મજૂરોની લોન સંપૂર્ણપણે માફ કરી દેવી જોઈએ, સાથે સાથે જમીન સંપાદન કાયદો 2013 દેશભરમાં ફરીથી લાગુ કરવામાં આવે. આ સિવાય કલેક્ટર રેટ કરતા 4 ગણું વધુ વળતર આપો. વધુમાં ખેડૂતોની માંગ છે કે લખીમપુર ખેરી હત્યાકાંડના દોષિતોને સજા મળે અને આ ઘટનામાં અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય મળવો જોઈએ. ખેડૂત સંગઠની માંગ છે કે તેઓ વિશ્વ વેપાર સંગઠનમાંથી બહાર નીકળે અને તમામ મુક્ત વેપાર કરારો પર પ્રતિબંધ મૂકે. ખેડૂતો અને ખેતમજૂરોને પેન્શન મળવું જોઈએ. આ સિવાય મનરેગા હેઠળ દર વર્ષે 200 દિવસની રોજગારી અને 700 રૂપિયાનું દૈનિક વેતન આપો અને તેમને ખેતી સાથે જોડો. દિલ્હી આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર મળવું જોઈએ અને પરિવારના એક સભ્યને નોકરી મળવી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે વીજ સુધારા બિલને રદ્દ કરવું જોઈએ. નકલી બિયારણ, જંતુનાશક દવાઓ વગેરેનું ઉત્પાદન કરતી કંપનીઓ પર કડક દંડ લાદવો જોઈએ. મરચાં અને હળદર જેવા મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવી જોઈએ. જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓના અધિકારો સુનિશ્ચિત કરવા જોઈએ અને છેલ્લે કંપનીઓને આદિવાસીઓની જમીન લૂંટતી અટકાવવી જોઈએ.