December 21, 2024

ફેમસ બ્યુટીક્વિન પર્રાગા ગોયબુરોની ગોળી મારીને હત્યા, ઇન્સ્ટાગ્રામ પોસ્ટે હત્યારાઓનું લોકેશન બતાવ્યું

Famous ecuadorian beauty queen landy parraga goyburo shot dead

નવી દિલ્હીઃ પૂર્વ મિસ ઇક્વાડોર સ્પર્ધક લેન્ડી પર્રાગા ગોયબુરોની ધોળા દિવસે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. 2022 મિસ એક્વાડોરમાં ભાગ લેનારી 23 વર્ષીય લેન્ડી પર્રાગા ગોયબુરોની 28 એપ્રિલે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ટેલિગ્રાફ અખબારના અહેવાલ મુજબ, તે એક લગ્નમાં હાજરી આપવા માટે આવી હતી. ગોયબુરોનું ડ્રગ સ્મગલર લીએન્ડ્રો નોરેરો સાથે અફેર હોવાનું કહેવાય છે, જેનું એક વર્ષ કરતાં વધુ સમય પહેલાં જેલમાં રમખાણો દરમિયાન મૃત્યુ થયું હતું.

સ્થાનિક મીડિયાની અટકળો વચ્ચે પોલીસ તપાસ કરી રહી છે કે, શું પર્રાગા ગોયાબુરોની હત્યા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. ટેલિગ્રાફના રિપોર્ટ પ્રમાણે, ગોયબુરોનું નામ ભ્રષ્ટાચારની તપાસમાં પણ સામે આવ્યું હતું. જેણે ન્યાયિક અધિકારીઓને સંગઠિત અપરાધ સાથે જોડ્યા હતા. તેના મૃત્યુની થોડી મિનિટો પહેલાં બ્યૂટિ ક્વીને એક રેસ્ટોરન્ટમાં જમતી વખતે ફોટો પોસ્ટ કર્યો હતો.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, રેસ્ટોરન્ટમાં પહોંચતા જ ગોયબુરોએ તેના ફોનનું લોકેશન ઓન કરી દીધું હતું અને અહીંથી તેણે સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરવાનું શરૂ કર્યું હતું. આ પછી બદમાશોને તેના લોકેશનની જાણ થઈ હતી અને ત્યાં પહોંચી બ્યુટી ક્વિનની ઘટનાસ્થળે જ હત્યા કરી દીધી.

આ સમગ્ર ગોળીબારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોવા મળે છે કે, રેસ્ટોરન્ટમાં બેઠેલી ગોયબુરો એક વ્યક્તિ સાથે વાત કરી રહી છે અને આ દરમિયાન બે બંદૂકધારી રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરે છે. તેમાંથી એક એન્ટ્રી ગેટ પર ઉભો છે. બીજો બંદૂકધારી ગોયબુરો તરફ દોડે છે અને તેને ગોળી મારી દે છે. ગોયબુરો અને તેની સાથે વાત કરી રહી હતી, તે વ્યક્તિ બંને ગોળીબારમાં ઘાયલ થયા હતા. ત્યારપછી બંને આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.

કથિત રીતે ગોયાબુરોને ત્રણ વખત ગોળી વાગી હતી અને તેનું મૃત્યુ થયું હતું. ધ ટેલિગ્રાફ અખબારના અહેવાલ પ્રમાણે, તપાસ કરનારા અધિકારીઓને નોરેરોના ફોનમાં ગોયબુરોના ફોટોગ્રાફ્સ તેમજ તેણે ગોયબુરોને આપેલી કાર સહિતની ભવ્ય ભેટોના પુરાવા મળ્યા છે. ધ ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, ગોયબુરો ડિસેમ્બર 2023માં ચર્ચામાં આવી હતી, જ્યારે નોરેરો અને તેના એકાઉન્ટન્ટ હેલિવ એંગ્યુલો વચ્ચેની ચેટમાં તેનું નામ સામે આવ્યું હતું.

કોર્ટ ટ્રાયલ દરમિયાન, ફરિયાદીઓએ ખુલાસો કર્યો કે, માર્યા ગયેલા ડ્રગ્સ સ્મગલરે એકાઉન્ટન્ટને બ્યુટી ક્વિન સાથેના તેના અફેરને જાહેર ન કરવા વિનંતી કરતા કહ્યુ હતુ કે, ‘જો મારી પત્નીને તેના (ગોયબુરો) વિશે કંઈપણ જાણવા મળશે, તો હું બરબાદ થઈ જઈશ.’ હાલમાં પોલીસે ગોયબુરોની હત્યાની તપાસ શરૂ કરી છે અને હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

લેન્ડી પર્રાગા ગોયબુરો એક દિવસ પહેલાં લગ્નમાં હાજરી આપવા આવી હતી. જ્યારે તે રેસ્ટોરન્ટમાં ગઈ ત્યારે આવેલા એક સશસ્ત્ર બદમાશોએ તેને ગોળી મારી દીધી હતી. આ હુમલા પાછળનો હેતુ શું હતો તે હજુ સુધી બહાર આવ્યું નથી.