શહેરના પૂર્વ વિસ્તારમાં નકલી પોલીસ ઝડપાઇ, ધમકી આપી પૈસા પડાવતા
મિહિર સોની, અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત નકલી પોલીસ બની તોડ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પૂર્વ વિસ્તારની હોટલમાં જતા યુગલોને ટાર્ગેટ કરી પોલીસની ઓળખ આપી રૂપિયા પડાવતી ટોળકી ઝડપાઇ છે. નકલી પોલીસની ઓળખ આપી તોડબાજી કરીને પૈસા પડાવતી ગેંગને પોલીસે ઝડપી લીધા છે. નકલી પોલીસીકાંડમાં મોહસીન ઉર્ફે બીડું શેખ, મોહમદ ઈમ્તિયાઝ ઉર્ફે બચુડી શેખ અને મોહમદ રફીક ઉર્ફે બટકો શેખની ધરપકડ કરી છે.
નકલી પોલીસે દોઢ લાખની માગણી કરી
માાહિતી અનુસાર આ નકલી પોલીસની ટોળકી પૂર્વ વિસ્તારમાં આતંક મચાવ્યો હતો અને છેલ્લા બે મહિનામાં અનેક પ્રેમી યુગલો પાસેથી હજારો રૂપિયા પડાવ્યા હતા. નકલી પોલીસની આ ટોળકીએ ચાંદલોડિયાના યુવકને ટાર્ગેટ કરી તેની પાસે દોઢ લાખની માગણી કરી હતી અને પૈસા ના આપે તો ઘરે કહી દેવાની અથવા કેસ કરી દેવાની ધમકી આપતા યુવક પાસેથી 50 હજાર રૂપિયા પડાવ્યા હતા. જેમાં શહેર કોટડા પોલીસમાં ફરિયાદ કરતા ત્રણ આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરી છે.
હોટલમાં જતા પ્રેમી યુગલોને ધમકાવીને પૈસા પડાવતા
શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઇએ જણાવ્યું હતુ કે આ નકલી પોલીસ પૂર્વ વિસ્તારમાં રહેલ હોટલમાં જતા પ્રેમી યુગલોને ટાર્ગેટ કરી ધમકાવી ડરાવી ને પૈસા પડાવતા હતા. જેમાં નકલી પોલીસની ટોળકીમાં બે આરોપી હોટલની બહાર વોંચ રાખી ને બેઠા હોય અને હોટલથી બહાર યુગલ આવતા જ અન્ય બે આરોપી પીછો કરી તે યુગલને પકડીને તેને પોલીસની ઓળખ આપી અને કેસ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવતા હતા. એટલું જ નહીં નકલી પોલીસ પર કોઇને શંકા ન જાય તે માટે ડી સ્ટાફમાં જે પોલીસ શુઝ પહેરે તેવા સ્પોર્ટશુઝ પહેરીને આવતા હતા.
આરોપીઓ પોલીસની જેમ મોટા અવાજથી વાતો કરીને યુગલોને ધમકાવતા હતા. આ ઝડપાયેલ નકલી પોલીસની ટોળકી મા મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે બીડુ શેખ મૂળ જુહાપુરાનો રહેવાસી છે. જે પોતે દરરોજ અન્ય 3 લોકોને સાથે લઈ જતો હતો અને નકલી પોલીસ બનીને ચારેય આરોપી નારોલ,શહેર કોટડા ઓઢવ અને અમરાઇવાડીમાં આવેલી હોટલમાં ટાર્ગેટ કરતા હોવાનું સામે આવ્યું છે. આરોપીની પૂછપરછમાં જણાવ્યું કે છેલ્લા બે મહિનામાં અનેક પ્રેમી યુગલો ટાર્ગેટ કરી પૈસા પડવાયા હોવાનું આરોપીએ કબૂલ્યું છે. બીજી બાજુ અગાઉ આરોપીના ગુનાહિત ઇતિહાસ લઈ ને તપાસ શરૂ કરી છે. વધુમાં પોલીસે કહ્યું કે આવા નકલી પોલીસથી ભોગ બનેલા લોકો પોલીસ સંપર્ક કરવા અપીલ કરી હતી.