September 14, 2024

અમદાવાદ એરપોર્ટ પર અસલી CISF જવાનના હાથે ઝડપાયો નકલી CISF જવાન

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદ એરપોર્ટ પરથી નકલી CISF ઝડપાયો છે. CISFનું યુનિફોર્મ પહેરીને એરપોર્ટ પર રોફ જમાવતો આરોપી અસલી CISF જવાનના હાથે ઝડપાયો છે. આરોપી યુવકે એરપોર્ટ પર બે મિત્રોને વાયસેનામાં નોકરી આપવાની લાલચ આપી હતી. પરંતુ CISF જવાને આરોપીનો ભાંડો ફોડી દીધો છે.

લવકુશ પંડિત નામનો આરોપી નકલી CISF જવાન બનીને એરપોર્ટ પર તેના બે મિત્રો સાથે રોફ જમાવી રહ્યો હતો. હાઈ સિક્યુરિટી ઝોન એવા એરપોર્ટ ટર્મિનલ -2માં ઘુસી જતા પેટ્રોલિંગ કરી રહેલા CISFના જવાનને શંકા જતા તેને અટકાવ્યો હતો. આ નકલી CISFની પૂછપરછ કરતા તે પોતે પોરબંદરનાં એક યુનિટમાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું. પરંતુ તેની પાસે આઇ કાર્ડ નહીં મળતા CISF જવાને પોરબંદર તપાસ કરતા આવો કોઈ કર્મચારી ત્યાં નોકરી ન કરતો હોવાનું ખુલ્યું હતું. જેથી CISF જવાને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નકલી CISF લવકુશ પંડિત નામના આરોપી ધરપકડ કરી છે.

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં 5 દિવસથી અવિરત વરસાદ, સોસાયટીઓમાં ઘૂસ્યા ઘૂંટણસમા પાણી

પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે, નકલી CISF જવાન લવકુશ પંડિત મૂળ બિહારનો રહેવાસી છે અને તેને ફૌજમાં ભરતી થવાનું સપનું હતું પરંતુ તે સફળ નહીં થતા CISFનો યુનિફોર્મ ખરીદ્યો હતો અને પોતે ભરતી થયો હોવાનો રોફ જમાવતો હતો. છેલ્લા 7 માસ પહેલા ઘરેથી નોકરીના નામે નીકળી ગયો હતો અને પોતે CISFમાં ભરતી થઈ ગયો હોવાનું તરકટ રચ્યું હતું. એટલું જ નહીં આરોપી લવકુશ પોતાના ગામમાં વર્ધીમાં ફરતો હતો. જેથી ગામના લોકોને પણ તે ફોજી હોવાનું લાગતું હતું. આ આરોપી લવકુશ એ પોતાના બે મિત્રો અનિકેત દાસ અને સૂરજ રામને એરપોર્ટ પર વાયુસેનાની ભરતી કરવા માટે અમદાવાદ એરપોર્ટ બોલાવ્યા હતા. પરંતુ અસલી CISFના જવાને આરોપીનો ભાંડો ફોડી નાખ્યો હતો. પોલીસે CISFનો યુનિફોર્મ, શૂઝ અને આઇકાર્ડ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે.

એરપોર્ટ પોલીસે નકલી CISF જવાનને લઈ ગુનો નોંધી તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. આ આરોપીને યુનિફોર્મ પહેરવાંનો ક્રેઝ હતો કે અન્ય કોઈ કારણ છે જે મુદ્દે પોલીસ અને આઇ.બી દ્વારા તપાસ હાથ ધરાઇ છે.