December 18, 2024

FAAGની શૈક્ષણિક સંસ્થાઓ માટે સૂચના, 5 દિવસ બપોરે 12થી 4 બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે. હવામાન વિભાગ પ્રમાણે, આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હિટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે.

આ પણ વાંચોઃ હિટવેવથી મોતના આંકડા વધ્યાં, સુરત સ્મશાન ગૃહમાં દરરોજ 18નાં અંતિમ સંસ્કાર

સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી સમજીને ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતે ઘટક સંઘો અને કોર કમિટી સાથે ઘનિષ્ઠ ચર્ચા કરીને સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આવનારા 5 દિવસો દરમિયાન બપોરે 12થી 4 શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિધાર્થીઓના હિતમાં નિર્ણય કર્યો છે.