October 4, 2024

10 વર્ષ પછી પાડોશી દેશ પાકિસ્તાનની મુલાકાત લેશે ભારતીય વિદેશ મંત્રી

S Jaishankar Sco Summit: ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી તણાવની સ્થિતિ છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ખરાબ છે. જો કે આ દરમિયાન મોટા સમાચાર સામે આવ્યા છે કે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર પાકિસ્તાનની મુલાકાતે જવાના છે. હકિકતે, જયશંકર આ વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે.

SCO સમિટ ક્યારે છે?
હકીકતમાં, SCOનું શિખર સંમેલન આ વર્ષના ઓક્ટોબર મહિનામાં જ આયોજિત થવા જઈ રહ્યું છે અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાવા જઈ રહી છે. 15-16 ઓક્ટોબરે યોજાનારી આ સમિટમાં ભાગ લેવા માટે વિવિધ દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યા હતા. તેથી એસ જયશંકર પાકિસ્તાન જશે.

પાકિસ્તાને PM મોદીને આમંત્રણ આપ્યું હતું
નોંધનીય છે કે, ગત ઓગસ્ટના અંતમાં પાકિસ્તાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને SCO બેઠકમાં ભાગ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. પાકિસ્તાની પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે કહ્યું હતું કે આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જો કે તે પછી ભારત તરફથી આ બેઠકમાં કોણ ભાગ લેશે તે જાહેર કરવામાં આવ્યું નથી. હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે પીએમ મોદી SCOની બેઠકમાં ભાગ નહીં લે. તેમના સ્થાને વિદેશ મંત્રી એસ જયશંકર બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

SCO નું મહત્વ શું છે?
SCO સમિટ પહેલા મંત્રી સ્તરની મંત્રણા અને વરિષ્ઠ અધિકારીઓની બેઠકોના અનેક રાઉન્ડ યોજાશે. જેમાં સભ્ય દેશો વચ્ચે નાણાકીય, આર્થિક, સામાજિક-સાંસ્કૃતિક અને માનવતાવાદી સહયોગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. નોંધનીય છે કે, SCOએ ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનું એક પ્રભાવશાળી આર્થિક અને સુરક્ષા જૂથ છે.