November 26, 2024

‘જો તમે જીતો, તો EVM ઠીક, જો હારો તો ખરાબ છે…’, SCએ બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની અરજી ફગાવી

Supreme Court: સુપ્રીમ કોર્ટે આજે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવા માટે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. અરજીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી. અરજી ફગાવી દેતા ન્યાયમૂર્તિ પીબી વરાલે અને વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે ‘જ્યારે તમે ચૂંટણી હારી જાઓ છો, ત્યારે ઈવીએમ સાથે ચેડાં થઈ જાય છે. અને જીતો તો કોઈ ફરિયાદ કરતાં નથી.’. કેએ પોલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં એવી માંગણી કરવામાં આવી હતી કે લોકશાહીને બચાવવા માટે બેલેટ પેપરથી મતદાન કરાવવાના નિર્ણયનો અમલ કરવો જરૂરી છે.

તેમણે ઈવીએમ સાથે ચેડાં થવાની આશંકા વ્યક્ત કરી હતી. તેણે પોતાની અરજીમાં બે નેતાઓને પણ ટાંક્યા હતા. તેમણે કહ્યું કે આંધ્રપ્રદેશના પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી અને વર્તમાન મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પણ દાવો કર્યો છે કે ઈવીએમ સુરક્ષિત નથી. આ સાથે છેડછાડ કરી શકાય છે.