January 20, 2025

J&Kના સોપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન દરમિયાન ફાયરિંગ

Sopore Encounter: જમ્મુ અને કાશ્મીરના સોપોરમાં રવિવારના રોજ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. સુરક્ષા દળોને શંકાસ્પદ આતંકવાદીઓ વિશે માહિતી મળી હતી. આ પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન ગોળીબાર પણ થયો હતો. હાલમાં આ વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા બે આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા છે અને સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત ટીમ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટર ત્યારે શરૂ થયું જ્યારે 22 રાષ્ટ્રીય રાઇફલ્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ની 179મી બટાલિયન અને જમ્મુ અને કાશ્મીર પોલીસની ટીમ ઘેરાબંધી અને શોધખોળ કામગીરી કરી રહી હતી. વિસ્તારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.

સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ ગોળીબાર કર્યો
અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોપોર પોલીસ જાલોર ગુર્જરપતિમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી અને આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો, ત્યારબાદ એન્કાઉન્ટર શરૂ થયું. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે અત્યાર સુધી આ કાર્યવાહીમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ગયા વર્ષે 8 નવેમ્બરના રોજ સોપોર વિસ્તારમાં આવી જ ઘટના બની હતી, જ્યારે સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા.