January 8, 2025

76 લોકોથી ભરેલા વિમાનમાં લાગી આગ, નેપાલના કાઠમંડુમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

Nepal: નેપાળના કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ઓથોરિટી દ્વારા કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટનું VOR લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ બુદ્ધ એરની ફ્લાઈટ છે, જેમાં ક્રૂ મેમ્બર સહિત 76 લોકો સવાર હતા. એરક્રાફ્ટના ડાબા એન્જિનમાં આગ લાગવાના કારણે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. અકસ્માતમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી. પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું અને મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. એરલાઈન્સ તરફથી નિવેદન જારી કરીને અકસ્માતની પુષ્ટિ કરવામાં આવી હતી. એ પણ જાણકારી આપી કે પ્લેનમાં સવાર તમામ લોકો સુરક્ષિત છે. પ્લેનમાં આગ કેવી રીતે લાગી? આ અંગે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મુસાફરોને અન્ય ફ્લાઈટમાં તેમના ગંતવ્ય સ્થાને મોકલવામાં આવ્યા છે.

VOR લેન્ડિંગ શું અને કેવી રીતે થાય છે?
મીડિયા અહેવાલો અનુસાર, વેરી હાઇ ફ્રિકવન્સી ઓમ્નિડાયરેક્શનલ રેન્જ (VOR) લેન્ડિંગ એ પાઇલોટ્સ માટે જમીન-આધારિત રેડિયો સ્ટેશનમાંથી સિગ્નલ લઈને વિમાનને નેવિગેટ કરવા અને લેન્ડ કરવાનો એક માર્ગ છે. આનાથી પાઇલોટ્સને રનવે પર એરક્રાફ્ટને લાઇન અપ કરવામાં પણ મદદ મળે છે. જ્યારે પાઇલોટ રનવે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી ત્યારે આ લેન્ડિંગ ઉપયોગી છે. આ લેન્ડિંગને મેન્યુઅલ લેન્ડિંગ પણ કહેવામાં આવે છે. આ ઉતરાણ ઘણીવાર સલામત હોય છે.

આ પણ વાંચો: વાયરસની ઇન્ટેન્સિટીને આધારે ગાઇડલાઇન જાહેર કરવામાં આવશેઃ ઋષિકેશ પટેલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બુદ્ધ એરલાઇન નેપાળની પ્રખ્યાત એરલાઇન છે. આ એરલાઇન 23 એપ્રિલ 1996ના રોજ શરૂ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સુરેન્દ્ર બહાદુર બસનેતે તેમના પુત્ર બિરેન્દ્ર બહાદુર બસનેત સાથે મળીને આ એરલાઇન શરૂ કરી હતી. આ એરલાઇન નેપાળમાં ડોમેસ્ટિક ફ્લાઇટની સેવા પૂરી પાડે છે. આ એરલાઇનની ફ્લાઇટ્સ નેપાળના કાઠમંડુથી ભારતના વારાણસી સુધી પણ ઉડે છે.