December 22, 2024

USની ચૂંટણીમાં એલોન મસ્ક કોઇપણ ઉમેદવારને નહીં આપે ડોનેશન

Elon Musk’s Big Statement: અમેરિકામાં (United States Of America) રાષ્ટ્રપતિ પદ માટે આગામી 5 નવેમ્બરે ચૂંટણી યોજાશે. યુએસમાં ચૂંટણીનો માહોલ અને ગતિવિધિઓ પણ વધી રહી છે. રિપબ્લિકન અને ડેમોક્રેટ બંને પક્ષો તેમના પૂરા પ્રયાસો કરી રહ્યા છે. હવે બંને પક્ષોના રાષ્ટ્રપતિપદના ઉમેદવારો પણ નક્કી થઈ ગયા છે. ડેમોક્રેટ પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના દાવેદાર અમેરિકાના વર્તમાન પ્રમુખ જો બાઇડેન (Joe Biden) હશે, જે પહેલાથી જ નક્કી થઈ ચૂક્યું હતું.

બીજી બાજુ રિપબ્લિક પાર્ટીના ઘણા ઉમેદવારો રાષ્ટ્રપતિ પદની રેસમાં હતા, પરંતુ હવે આ રેસમાં માત્ર એક જ ઉમેદવાર બચ્યા છે અને તે છે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump). આવી સ્થિતિમાં 2024માં અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ફરી એકવાર બિડેન-ટ્રમ્પ વચ્ચે મુકાબલો થશે. નોંધનીય છે કે આ બંને 2020ની યુએસ ચૂંટણીમાં પણ સામસામે હતા જેમાં બિડેનની જીત થઇ હતી. ચૂંટણી માટે પૈસાની પણ જરૂર છે અને દાન પણ આ માટેનું એક સાધન છે. હાલમાં જ વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિએ આ મામલે મોટું નિવેદન આપ્યું છે.

એલોન મસ્ક કોઈપણને દાન આપશે નહીં
ટેસ્લા (Tesla), સ્પેસએક્સ (SpaceX) અને એક્સ/ટ્વિટર (X/Twitter)ના માલિક એલોન મસ્ક અમેરિકાના રહેવાસી છે. આવી સ્થિતિમાં તેઓ દેશમાં યોજાનારી ચૂંટણી પર પણ નજર રાખી રહ્યા છે. ચૂંટણીમાં અમીર લોકો વધુ દાન આપે છે અને તેમના મનપસંદ ઉમેદવારોને મદદ કરે છે. આવી સ્થિતિમાં મસ્ક પણ આવું જ કરે તેવી અપેક્ષા છે, પરંતુ મસ્કે આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. મસ્કે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈપણ ઉમેદવારને દાન આપશે નહીં.

ચૂંટણીમાં દાનની ભૂમિકા શું છે?
ચૂંટણીમાં દાન ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. દરેક ઉમેદવારને તેના ચૂંટણી પ્રચાર માટે પૈસાની જરૂર હોય છે.નોંધનીય છે કે જેટલું વધુ ડોનેશન, તેટલું વધુ પ્રચાર અને માર્કેટિંગ કરી શકાય.ચૂંટણી પ્રચાર અને માર્કેટિંગ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓ માટે પણ નાણાંની જરૂર પડે છે. આવી સ્થિતિમાં દાન કરવાથી ઘણી મદદ મળે છે.