October 1, 2024

સાવરકુંડલાના શિવ કુમારી આશ્રમના 30 વિદ્યાર્થીઓને ખોરાકી ઝેરની અસર

અમરેલી: છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ખોરાકની ગુણવત્તાને લઈને અને ખાણીપીણીના સ્થળોએ આહારની ગુણવત્તાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવે છે. ત્યારે, ખોરાકની ગુણવત્તા પર પ્રશ્નાર્થ ઊભો કરતો વધુ એક અમરેલીના સાવરકુંડલાથી સામે આવ્યો છે. સાવરકુંડલાના ઝીંઝુડાની આશ્રમ શાળામાં બાળકોને ખોરાકી ઝેરની અસર થતાં સારવાર માટે ખસેડવા પડ્યા હતા.

મળતી માહિતી મુજબ, સાવરકુંડલાના મોટા ઝીંઝુડા શિવ કુમારી આશ્રમના બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. આશ્રમમાં અભ્યાસ કરતાં 110 વિદ્યાર્થીમાંથી 30 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. જેને કારણે 20 જેટલા બાળકોને મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે, ત્રણેક બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું સામે આવ્યું હતું.

વધુમાં જાણવા મળી રહ્યું છે કે બાળકોને ખોરાકી ઝેરની અસર થયાનું જાણ થતાં મોટા ઝીંઝુડા પીએચસી સેન્ટરનો સ્ટાફ આશ્રમ ખાતે દોડી આવ્યો હતો અને સામાન્ય અસર વાળા બાળકોને સારવાર આપી હતી. ઝીંઝુડાની શિવ કુમારી આશ્રમના સંચાલક દ્વારા આ મામલે જણાવવામાં આવ્યું છે કે કારેલાનું શાક ખાધા બાદ બાળકોને ફૂડ પોઈઝનીંગ અસર થઈ હતી.