September 17, 2024
તમારા કિચનમાં કિલર છે?
રૂષાંગ ઠાકર
રૂષાંગ ઠાકર
Expert Opinion

ભારત વૈશ્વિક મસાલા માટેનું પાવરહાઉસ છે. દુનિયાભરમાં કરોડો લોકોનાં ભોજનમાં ખરો સ્વાદ અને મહેક ભારતીય મસાલાઓથી જ આવે છે. ભારતીય મસાલાઓ તો જાણે પેઇન્ટ બોક્સ જેવા છે. જેમાં જુદા-જુદા રંગ જોવા મળે છે. જોકે, હવે, મસાલાઓની બાબતમાં ચિંતાનો રંગ ભળી ગયો છે. જેના લીધે જ સૌથી મોટો સવાલ થાય છે કે, શું તમારા કિચનમાં કિલર છે? શું મસાલાઓના કારણે તમારો કોળિયો કાળ બની શકે?

આ સવાલ હવે કદાચ તમને પણ થતો હશે. સ્વાભાવિક રીતે એનું કારણ વિદેશોમાં ભારતીય કંપનીઓ MDH અને એવરેસ્ટ વિરુદ્ધ લેવામાં આવેલી એક્શન છે. તમને ખ્યાલ હશે જ કે, સૌથી પહેલાં ગયા મહિને સિંગાપોર અને હોંગકોંગે MDH અને એવરેસ્ટના મસાલાના વેચાણને અટકાવી દીધું હતું. આ બંને દેશોએ એનું કારણ પણ આપ્યું. તેમણે દાવો કર્યો હતો કે, આ ભારતીય કંપનીઓના મસાલામાં ઇથીલીન ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે. ચોંકાવનારી બાબત એ છે કે, ઇથીલીન ઓક્સાઇડના કારણે કેન્સર થઈ શકે છે. એટલું જ નહીં હવે, નેપાળે પણ આ બંને કંપનીઓના મસાલાની આયાત, વપરાશ અને વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સિંગાપોર અને હોંગકોંગની જેમ જ નેપાળે કહ્યું છે કે, આ પ્રોડક્ટ્સમાં ઇથીલીન ઓક્સાઇડનું પ્રમાણ ખૂબ જ વધારે છે. એમ જણાય છે કે, સિંગાપોર અને હોંગ કોંગે મૂકેલા આરોપોને નેપાળે કોપી પેસ્ટ કર્યા છે.

વાત આટલેથી અટકતી નથી. અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડ્મિનિસ્ટ્રેશન પણ MDH અને એવરેસ્ટની પ્રોડક્ટ્સની તપાસ કરી રહ્યું છે. અમેરિકાની આ એજન્સીના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું હતું કે, આ બંને કંપનીઓના મસાલાઓમાં કીટનાશકો છે. અમેરિકામાં 2021થી અત્યાર સુધીમાં ઉતરેલા MDHના 14.5 ટકા જથ્થાને ફગાવી દેવામાં આવ્યો છે. આ જથ્થામાં બેક્ટેરિયાની હાજરી હોવાનું કારણ આપવામાં આવ્યું છે. જોકે, MDH અને એવરેસ્ટ બંને કંપનીઓ કહે છે કે, તેમના મસાલા બિલકુલ સુરક્ષિત છે.

એ જ રીતે યુરોપીયન યુનિયનના ધ્યાનમાં પણ આવ્યું છે કે, કેટલાક ભારતીય મસાલામાં એ હદે ભેળસેળ છે કે, એને ખાવાથી કેન્સર થઈ શકે છે. માલદિવ્સ, બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયામાં પણ ફૂડ કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટ દ્વારા ભારતીય મસાલાઓની તપાસ શરૂ થઈ ગઈ છે.

માત્ર વિદેશની ધરતી પરથી લેવામાં આવતી એક્શનની વાત નથી. ગુજરાતમાં પણ ભેળસેળ કરનારાઓની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણા રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ ઓથોરિટી મરચા, હળદર, ધાણાજીરુંના પાઉડરની તપાસ કરી છે. માત્ર એપ્રિલ મહિનામાં જ ભેળસેળવાળો 60 હજાર કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સુરત, વડોદરા અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં આવી એક્શન લેવામાં આવી છે.

અમે તમને પહેલાં જણાવ્યું હતું કે, કેટલાક દેશોને લાગે છે કે, MDH અને એવરેસ્ટના મસાલાઓમાં ઇથીલીન ઓક્સાઇડ છે. ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર નામની સંસ્થા મુજબ ઇથીલીન ઓક્સાઇડથી કેન્સર થઈ શકે છે. જેનાથી બ્રેસ્ટ કેન્સર થવાની શક્યતા પણ અનેક ગણી વધી જાય છે. આ બાબતે ચિંતા વધી જવાના કારણે FSSAI એટલે કે, Food Safety and Standards Authority of Indiaએ મસાલાઓમાં ઇથીલીન ઓક્સાઇડ છે કે નહીં એની તપાસ કરવા માટે એક નવી ટેક્નિક શોધી કાઢી છે. આવા પ્રયત્નો વચ્ચે લોકોના મનમાં સતત સવાલ છે કે, શું ભારતીય મસાલા સુરક્ષિત છે?

નવગુજરાત સમયમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ પણ એક્શન મોડમાં છે. રાજ્ય સરકારના ફૂડ અને ડ્રગ્સ વિભાગના આદેશથી આખરે પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદમાં જુદી-જુદી બ્રાન્ડના મરીમસાલામાં ઇથીલીન ઓક્સાઇડની હાજરીની ચકાસણી માટે 38 નમૂના લેવાયા છે. આ નમૂનાઓને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે.

વાત માત્ર અમદાવાદની નથી. સુરતમાં પણ ગયા મહિનામાં પાલિકાના ફૂડ વિભાગે મસાલાનું વેચાણ કરનારા વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા. ફૂડ વિભાગે આ વેપારીઓને ત્યાંથી નમૂના મેળવ્યા હતા અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. હળદર, મરચા અને ધાણાજીરું સહિતનાં મસાલાનાં સેમ્પલ્સ લેવામાં આવ્યા છે.

આ જ વર્ષે ફેબ્રુઆરીમાં વડોદરામાં પણ એક્શન લેવામાં આવી હતી. વડોદરાના હાથીખાના માર્કેટમાંથી શંકાસ્પદ ડુપ્લિકેટ મરચાના પાઉડરનો જથ્થો ઝડપાયો હતો. વેપારીની પૂછપરછ થઈ. તેણે જણાવ્યું કે, તે અમદાવાદના માધુપુરામાંથી મરચા અને ધાણા પાઉડર લાવે છે. દેશ-વિદેશમાં મસાલામાં ભેળસેળ કરનારાઓની વિરુદ્ધ પગલાં લેવામાં આવી રહ્યા છે. હવે, અમે તમને જણાવીશું કે, મસાલામાં શેની ભેળસેળ કરવામાં આવે છે.

ધાણાજીરૂ એની સુંગધથી જ ઓળખાઈ જાય છે. આમ છતાં એવી કરામતથી ભેળસેળ કરવામા આવે છે કે, પારખુ માણસ પણ થાપ ખાઈ જાય. ધાણાના પાઉડરમાં સામાન્ય રીતે બાજરીની ભેળસેળ કરવામાં આવે છે. એટલું જ નહીં ધાણાજીરાંમાં ખાખરાના પાનની પણ ભેળસેળ કરવામાં આવે છે. ધાણાજીરુ લોકો સુગંધથી ઓળખી લેતા હોય છે, પરંતુ કેટલાક વેપારીઓ ધાણામાં ખાખરાના સૂકાયેલા પાંદડાનો એકદમ બારીક ભૂક્કો મિક્સ કરે છે. ધાણાના ડાખરા પણ દળીને નાખવામાં આવે છે. ખાખરાના પાનના સેવનથી લાંબાગાળે આંતરડાના રોગ થઈ શકે. ધાણાની સુગંધને જાળવી રાખવા માટે એમાં એસેન્સ પણ નાંખવામા આવે છે. ધાણા પાવડર બનાવટી છે કે રિયલ એની ઓળખ કરવી ખૂબ જરૂરી હોય છે. કેમ કે, કેટલાક દુકાનદારો લોટનો ભૂકો ઉમેરે છે. કેટલાક કેસમાં પશુઓ માટેનું ભૂસું પીસીને મિક્સ કરાતું હોવાનું પણ ધ્યાને આવ્યું છે.

કેટલાક વેપારીઓ ધાણાના પાઉડરમાં કૃત્રિમ રંગો અને કેમિકલ્સ ભેળવે છે. જેના લીધે એ મસાલાને ગાઢ લીલો રંગ મળે છે. આ રંગો અને કેમિકલ્સ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક છે. ધાણાના પાઉડરમાં ચૂનાનો પાઉડર અથવા ભારે ધાતુઓ જેવા ખનિજ પદાર્થો ભેળવવામાં આવે છે. આ ખનિજ પદાર્થો ઝેરી હોય શકે છે અને તમને બીમાર પાડી શકે છે.

મસાલાઓના હોલસેલ માર્કેટમાં જાવ ત્યારે તમને સહેલાઈથી અસલી અને નકલીનો ખેલ સમજાઈ જાય. દેશમાં દિલ્હી સહિતના અનેક માર્કેટ્સમાં તો હોલસેલર્સ જ ખરીદી કરવા આવતા વેપારીઓને એના વિશે ચોખ્ખેચોખ્ખું કહી દેતા હોય છે. આ હોલસેલર્સ ત્રણ ટાઇપના મસાલા બતાવતા હોય છે. પહેલી ટાઇપના મસાલા અત્યંત શુદ્ધ હોય છે. જેને હોલસેલર્સ પ્રીમિયમ કહે છે. એ પછી બીજી ટાઇપના મસાલા મિક્સ હોય છે. જેમાં થોડીઘણી ભેળસેળ હોય છે. એ પછી ત્રીજી ટાઇપના મસાલામાં પૂરેપૂરી ભેળસેળ હોય છે. જેનાથી તબિયત બગડવાની ગેરંટી રહે છે. વળી, પ્રીમિયમથી લઈને અત્યંત હલકી ગુણવત્તાના મસાલા સુધી, એમ ત્રણેયની કિંમતોમાં પણ ખાસ્સો ફરક રહેલો હોય છે. અમે તમને ધાણાજીરું પાઉડરમાં કેવા પ્રકારની ભેળસેળ કરવામાં આવી એની વાત કરી.

કહેવાય છે કે, અનેક બીમારીઓનો ઇલાજ આપણા કિચનમાંથી જ મળી આવે છે. જેમ કે, શરદીખાંસીમાં હળદરવાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. અત્યારે મસાલામાં જે પ્રકારે ભેળસેળ થઈ રહી છે એ જોતા સવાલ થાય કે, હળદરવાળું દૂધ પીવાથી શરદી-ખાંસી મટી જશે કે કોઈ નવી બીમારીને આમંત્રણ મળશે?

બનાવટી હળદર બનાવવા માટે અનેક ઝેરી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાંથી એક વસ્તુ લીડ ક્રોમેટ છે. લીડ ક્રોમેટ વાસ્તવમાં બે ધાતુ લીડ અને ક્રોમિયમના મિશ્રણથી બને છે. લીડ ક્રોમેટ વાસ્તવમાં કલરકામ માટે ઉપયોગી કેમિકલ છે. હળદરનું વજન વધારવા માટે પણ એમાં લીડ ક્રોમેટનો ઉપયોગ કરવામાં આવે છે. દેશમાં અનેક જગ્યાએ પાડવામાં આવેલા દરોડામાં બનાવટખોરો પાસેથી આ ઝેરી વસ્તુ પકડાઈ છે. લીડ ક્રોમેટ વાસ્તવમાં પીળા કે નારંગી રંગનું એક કેમિકલ કમ્પાઉન્ડ છે. હળદરનો રંગ અને ચમક વધારવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. આ લીડ ક્રોમેટના કારણે હૃદયરોગ અને દિમાગની ગંભીર બીમારી થઈ શકે છે. લીડનું પ્રમાણ શરીરમાં વધી જાય તો હાઇપરટેન્શન, હૃદયની બીમારીઓ થઈ શકે. સ્ટ્રોકનો ખતરો પણ વધી જાય. એટલું જ નહીં નેફ્રોટોક્સિસિટીની સ્થિતિ સર્જાઈ શકે. જેના કારણે કિડનીને નુકસાન થઈ શકે છે. લીડ ક્રોમેટનું પ્રમાણ ઓછું હોય તો કોગ્નિટિવ ખામી થાય. સરળ શબ્દોમાં કહીએ તો વ્યક્તિની યાદ રાખવાની, વિચારવાની અને નિર્ણય કરવાની કુશળતાને અસર થાય. જેના લીધે નાનાં બાળકોને ભણવામાં સમસ્યા થાય જ્યારે મોટા લોકોને યાદશક્તિની સમસ્યા રહે.

હળદરને દળી નાંખવામા આવ્યા બાદ એમાં ચોખાનો લોટ મિક્સ કરવામાં આવે છે. જેના પછી એમાં કૃત્રિમ રંગો મિક્સ કરાય છે. હળદરની સુગંધ વધારવા માટે એસેન્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. પીળા રંગ માટે ઇન્ડસ્ટ્રિયલ કલર નાંખવામાં આવે છે.

ધાણાજીરું હોય કે હળદર, બનાવટખોરો લગભગ તમામ મસાલામાં કૃત્રિમ રંગોની ભેળસેળ કરે છે. આવા કૃત્રિમ રંગોથી પાચનતંત્રને અસર થાય છે. એ ઉપરાંત કિડનીને પણ નુકસાન થઈ શકે. આ કૃત્રિમ રંગોમાં કોલ તારથી બનાવેલા કેમિકલ્સ હોય છે. જેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે.

અમે તમને જણાવ્યું હતું કે, મસાલાઓના હોલસેલ માર્કેટમાં જુદા-જુદા ટાઇપ્સના મસાલા વેચવામાં આવે છે. સ્વાભાવિક રીતે સામાન્ય લોકોને આવા ભેળસેળવાળા મસાલાની ખબર પડે ત્યારે તેઓ એને ન જ ખરીદે. સામાન્ય રીતે આવા હોલસેલ માર્કેટમાંથી અમુક હોટેલ અને રેસ્ટોરાના માલિકો અને નાના દુકાનદારો ભેળસેળવાળા મસાલાની ખરીદી કરતા હોય છે. અલબત્ત એમ કહેવાનો અમારો જરાય ઇરાદો નથી કે, તમામ હોટેલ્સ અને રેસ્ટોરાંમાં આવી ભેળસેળવાળા જ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, ચોક્કસ જ કેટલીક હોટેલ્સ અને રેસ્ટોરાંના માલિકો આવા મસાલાની ખરીદી કરે છે.

મરચામાં પણ મોટા પાયે ભેળસેળ કરવામાં આવે છે. મરચામાં ઇંટનો ભૂકો કે લાકડાનો વેર મિક્સ કરવામાં આવતો હોવાનું મોટા ભાગના લોકો જાણે છે. ભૂતકાળમાં આવું બનાવટી મરચું ખૂબ પકડાતું હતું. જોકે, હવે ભેળસેળની ટ્રિક બદલી નાંખવામાં આવી છે. જેના કારણે ભેળસેળ થઈ છે કે નહીં એની તપાસ કરવી મુશ્કેલ છે. હવે, સારી બ્રાન્ડના મરચાંમાં લોકલ લેવલની મરચાંની ભૂકીનું મિશ્રણ કરવામાં આવે છે. એ ઉપરાંત, મરચાંના ડિંટિયા અને સડેલા મરચાંનો મોટાપાયે ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે.

ધાણાજીરું, હળદર કે મરચામાં જ ભેળસેળની વાત નથી. લગભગ તમામ મસાલામાં ભેળસેળ થાય છે. કેટલાક લોકો લાલચમાં આવીને કરોડો લોકોના જીવની સાથે રમત રમી રહ્યા છે. સવાલ એ છે કે, કેવી રીતે મસાલામાં ભેળસેળ થઈ હોવાનું જાણી શકાય? અમે તમને સૌથી પહેલાં હળદરમાં ભેળસેળ થઈ છે કે નહીં એ જાણવા માટેની એક રીત કહીશું. હળદરના પાઉડરમાં તમે થોડુંક હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. જો એના પછી હળદરનો રંગ પીળામાંથી ગુલાબી કે ભૂરા રંગનો થઈ જાય તો સમજી જજો કે, હળદરમાં ભેળસેળ છે. હળદરમાં મેટાનિલ યલો નામના કૃત્રિમ રંગને મિક્સ કરવાના કારણે જ હળદરનો રંગ આ રીતે બદલાઈ જાય છે. એ સિવાય બીજી પણ એક રીત છે. હળદરના પાઉડરને હથેળીમાં લઈ તેમા એકાદ ટીપું પાણી નાંખી આંગળીથી મસળી નાંખો. બાદમાં હાથ સાબુથી ધોઇ નાખવો. હાથ ધોવા છતાં પીળાશ રહી ગઈ હોય તો ભેળસેળ રહિત અથવા તો ઓછા પ્રમાણમાં ભેળસેળ થઇ હોવાનું માની શકાય.

હવે, અમે તમને મરચાની પરખ કરવાની રીત કહીશું. મરચાની શુદ્ધતા તપાસવા માટે તમે એક ચમચી લાલ મરચાને પાણીના ગ્લાસમાં નાંખો. જો મરચાનો પાઉડર પાણીમાં તરતો રહે તો સમજવું કે એ અસલી છે. જો, પાઉડર પાણીમાં ડૂબી જાય તો સમજવું કે એમાં ભેળસેળ છે. એ સિવાય પણ બીજી એક રીત છે. મરચાનો થોડોક પાઉડર મોંમા મૂકતાની સાથે જ ખૂબ તિખાશ લાગે તો સમજી લેવું કે, એમાં મરચાની ડીટિયાના ભૂક્કાની ભેળસેળ છે.

સામાન્ય રીતે આવા ભેળસેળવાળા મસાલા ખાવાથી બે પ્રકારની અસર થાય. એક તો તાત્કાલિક અસર થાય. જેમ કે, માથામાં દુખાવો થાય. તરત જ પેટ ખરાબ થઈ જાય. એ રીતે એલર્જિક રિએક્શન જોવા મળે. ભેળસેળવાળા મસાલાવાળું ભોજન તમે લાંબા સમય સુધી ખાતા રહો તો ગંભીર બીમારીઓનું જોખમ રહે છે. હૃદય નબળું પડી શકે છે અને કેન્સર અને પેરાલિસિસનો પણ ખતરો રહે છે.

ભારતે ગયા વર્ષે 14.26 લાખ ટન મસાલાઓની નિકાસ કરી હતી. જેનું અંદાજે મૂલ્ય સાડા ત્રણસો અબજ રૂપિયા હતું. દુનિયામાં મસાલાઓનું માર્કેટ લગભગ 2900 અબજ રૂપિયા છે. વૈશ્વિક મસાલા બજારનો લગભગ 12 ટકા હિસ્સો ભારત ધરાવે છે. ભારતમાંથી મોટા ભાગે જીરું, મરચું, હળદર અને એલચી જેવા મસાલાની નિકાસ થાય છે. તમને ખ્યાલ જ હશે કે, જીરા માટે સૌથી મોટું કેન્દ્ર આપણા ગુજરાતનું ઊંઝા છે. ભારતમાંથી મસાલાની સૌથી વધુ નિકાસ ચીનમાં થાય છે. એના પછી અમેરિકા, બાંગ્લાદેશ, UAE, થાઇલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં પણ ભારતીય મસાલાઓની વધુ નિકાસ થાય છે.

હવે, કેટલાક દેશોમાં MDH અને એવરેસ્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે, ભારતમાંથી મસાલાની નિકાસ પર અસર થશે? હોંગકોંગ અને સિંગાપોર ભારતીય મસાલાઓ માટે મોટા માર્કેટ નથી. જોકે, અમેરિકા, બ્રિટન, બાંગ્લાદેશ અને ઑસ્ટ્રેલિયા દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસથી નુકસાન થઈ શકે છે. યુરોપીયન યુનિયન પણ તપાસ કરી રહ્યું છે. એટલે જ આ મામલે તાત્કાલિક એક્શન લેવાની જરૂર છે.

અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને અનેક વખત ભારતીય પ્રોડક્ટ્સને અમેરિકાની ધરતી પર ઉતારવાની જ ના પાડી છે. રામદેવ ફૂડ પ્રોડક્ટ્સના ઉત્પાદનો અનેક વખત રિજેક્ટ થયા છે. MDH, MTR, એવરેસ્ટ, કેચ મસાલા બનાવતી કંપની DS ગ્રૂપ અને બાદશાહના ઉત્પાદનોને પણ રિજેક્ટ કરવામાં આવ્યા છે.

અમેરિકામાં સપ્ટેમ્બર 2019માં કહેવામાં આવ્યું હતું કે, MDHના સાંભાર મસાલા સાલ્મોનેલાથી દૂષિત છે. સાલ્મોનેલાથી બેક્ટેરિયાની બીમારી થાય છે. આ હકીકત બહાર આવ્યા બાદ આ સાંભાર મસાલાના પેક્ટ્સને માર્કેટ્સમાંથી હટાવવામાં આવ્યા હતા. એ જ રીતે ગયા વર્ષે જૂનમાં એવરેસ્ટના ગરમ મસાલા અને સાંભાર મસાલા તેમજ મેગીના મસાલા-એ-મેજિક સામે પણ એવી જ એક્શન લેવામાં આવી હતી.

ભારતીય મસાલાઓને લઈને શંકા વ્યક્ત થઈ રહી છે, જે ગંભીર સમસ્યા છે. અખિલ ભારતીય કિસાન સભાના મહાસચિવ વિજુ ક્રિષ્નને કહ્યું હતું કે, હવે, તો નાની કંપનીઓ કે સહકારી મંડળીઓ દ્વારા કરાતી નિકાસને લઈને પણ શંકા થશે. આવી સ્થિતિમાં સીધી અસર દેશના ખેડૂતોને પણ થશે. એનું પણ સ્પષ્ટ કારણ છે. એક્સપોર્ટ કંપનીઓ અને મસાલાના વેપારીઓ નફો કરતા હોય ત્યારે પણ ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી. હવે, જ્યારે આવી કંપનીઓ અને વેપારીઓ ખોટ કરે ત્યારે સ્વાભાવિક રીતે સૌથી વધુ નુકસાન ખેડૂતોને જ થાય.

જો ચીન પણ હોંગકોંગને અનુસરીને ભારતીય મસાલા કંપનીઓની વિરુદ્ધ એક્શન લેવા લાગે તો મુશ્કેલી થઈ શકે છે. આમ પણ ભારતને મુશ્કેલીમાં મૂકવાની એક પણ તક ન છોડતા ચીનને હવે બહાનું મળી ગયું છે. એકંદરે જોવા જોઈએ તો હોંગકોંગ, સિંગાપોર, અમેરિકા અને ચીન સહિતના કેટલાક દેશો પ્રતિબંધ મૂકે તો ભારતને 208 અબજ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જોકે, ભારત સરકાર આ સ્થિતિથી વાકેફ છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ભારત વિશે ખોટો પ્રચાર પણ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, ભારતીય ફૂડ કન્ટ્રોલર મસાલાઓમાં નક્કી કરવામાં આવેલા માપદંડોથી 10 ગણા પેસ્ટિસાઇડ્સ મિક્સ કરવાની છૂટ આપે છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ આવા રિપોર્ટ્સને ફગાવી દીધા છે. મસાલામાં કીટનાશકોનું પ્રમાણ કેટલું હોવું જોઈએ એના માટે દુનિયાના જુદા-જુદા દેશોમાં જુદી-જુદી લિમિટ છે. ભારતમાં આ મામલે કડક ધારાધોરણો છે. હવે, તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે, આ કીટનાશકો શા માટે ઉમેરવામાં આવે છે? વાસ્તવમાં મસાલાનું પ્રોડક્શન કરતી કંપનીઓ ઇથીલીન ઓક્સાઇડ સહિત કેટલાક કીટનાશકોનો ઉપયોગ ઇ. કોલી અને સાલ્મોનેલા જેવા બેક્ટેરિયા અને ફંગસથી મસાલાને બચાવવા કરે છે. કેમ કે, બેક્ટેરિયાના સંપર્કમાં આવવાથી મસાલાની શેલ્ફ લાઇફ ઓછી થઈ જાય છે. મસાલાને લાંબા સમય સુધી ખરાબ થવાથી બચાવવા માટે આ કંપનીઓ કીટનાશકોનો પ્રિઝર્વેટિવ તરીકે ઉપયોગ કરે છે.

ભારતીય મસાલા કંપનીઓ એવો પણ દાવો કરે છે કે, ભારતના વિરોધીઓ ભારતીય મસાલાની વિરુદ્ધ ખોટો પ્રચાર કરી રહ્યા છે. સીધી શંકા પાકિસ્તાન અને તુર્કી પર જઈ રહી છે. કેમ કે, તુર્કી પણ મસાલાના માર્કેટમાં ભારતને ટક્કર આપવાના સપનાં જુએ છે. વાત ઘરઆંગણાની કરીએ તો હકીકત એ પણ છે કે, દેશમાં કેટલાક લોકો મસાલાઓમાં ભેળસેળ કરીને કરોડો લોકોનાં જીવની સાથે રમત રમી રહ્યા છે.