December 26, 2024

ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ, એક જ ગામમાં યોજાયા બે ખેડૂત સંમેલન

સાગર ઠાકર જુનાગઢ: ઈકો સેન્સેટીવ ઝોનને લઈને જૂનાગઢ સહીતના ત્રણ જીલ્લાના 196 ગામોમાં હાલ વિરોધનો વંટોળ ઉભો થયો છે. ગામે ગામ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે જ રીતે જૂનાગઢ જીલ્લાના વિસાવદર તાલુકાના બરડીયા ગામે પણ ઈકો સેન્સેટીવ ઝોનના વિરોધમાં ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, ખેડૂત સંમેલન શરૂ થાય તે પહેલાં જ ગ્રામજનો વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઈ હતી. બરડીયા ગામે પટેલ સમાજ ખાતે સરપંચ યુનિયનનું બીન રાજકિય સંમેલન બોલાવાયું હતું. જ્યારે વિનય મંદિર શાળા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સંમેલન બોલાવાયું હતું. આમ ખેડૂતો માટે ક્યાં સંમેલનમાં જવું તેની મુંજવણ ઉભી થઈ હતી.

સરપંચ યુનિયનના પટેલ સમાજ ખાતેના કાર્યક્રમ સ્થળ નજીક કોંગ્રેસ અને આપના કાર્યકરો બેનર સાથે ઉભા હતા અને વિનય મંદિર ખાતેના કાર્યક્રમમાં જવા માટે ખેડૂતોને જણાવતાં હતા. જેથી લીમધ્રાના પૂર્વ સરપંચ મુકેશભાઈ દુધાત્રા બેનર સાથે ઉભેલા કોંગ્રેસ અને આપના કાર્યકરો પાસે જઈને આવું નહીં કરવા જણાવ્યું હતું અને તેનું બેનર ઝુંટવી લેતાં બંને વચ્ચે મારામારી થઈ હતી. મારામારીની ઘટનાની જાણ થતાં વિસાવદર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પટેલ સમાજ ખાતે સરપંચ યુનિયન દ્વારા આયોજીત ખેડૂત સંમેલનમાં 29 ગામોના સરપંચો અને ખેડૂતો સાથે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વિનય મંદિર શાળા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આયોજીત ખેડૂત સંમેલનમાં કોંગ્રેસ નેતા હીરાભાઈ જોટવા, કરશનભાઈ વાડદોરીયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમિપરા તથા આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામ, કરશન બાપુ ભાદરકા, જીલ્લા આપ પ્રમુખ રાજુભાઈ બોરખતરીયા સહીતના નેતાઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

ઈકો સેન્સેટીવ ઝોનને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની નિયત માં ખોટ હોવાનું કોંગ્રેસ નેતા હિરાભાઈ જોટવા એ જણાવ્યું હતું જ્યારે આપ નેતા પ્રવીણ રામ એ ભાજપના સાંસદ અને ધારાસભ્ય રાજીનામું આપે તો મારો ખેસ ઉતારી નાખીશ તેવું જણાવ્યું હતું. બરડીયા ગામે આયોજીત બંને ખેડૂત સંમેલનમાં ઉપસ્થિત ખેડૂતો અને આગેવાનોએ ઈકો સેન્સેટીવ ઝોનનો વિરોધ કર્યો હતો અને આગામી સમયમાં આંદોલન, વિરોધ પ્રદર્શન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.