December 12, 2024

મોડી રાતે હિમાચલની ધરા ધ્રુજી, એક બાદ એક 3 ભૂકંપના આંચકાથી લોકોમાં ભય

Himachal: મોડી રાતે હિમાચલ પ્રદેશમાં ભૂકંપના જોરદાર આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મંડી શહેરમાં ભૂકંપ આવ્યો અને એક પછી એક 3 જોરદાર આંચકા અનુભવાયા. જો કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3 માપવામાં આવી હતી. પરંતુ મોડી રાતે લગભગ 2.30 વાગ્યે આવેલા આ ભૂકંપથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો પોતાના પરિવાર અને બાળકો સાથે ઘરની બહાર બેઠા હતા. સવાર સુધી લોકો રસ્તાઓ પર રહ્યા હતા.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (એનસીએસ) એ ભૂકંપની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર ભૂગર્ભમાં 5 કિલોમીટરની ઊંડાઈએ જોવા મળ્યું હતું. જો કે આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ હિમાચલનો મંડી જિલ્લો ઝોન 5માં આવે છે જે ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ શહેરો ધરાવે છે, તેથી અહીંના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. નાના ભૂકંપ એ મોટા ભૂકંપ આવવાની નિશાની હોઈ શકે છે.