દ્વારકામાં ફૂલડોલ મહોત્સવની તડામાર તૈયારીઓ, હજારોની સંખ્યામાં પદયાત્રીઓએ દ્વારકા તરફ મીટ માંડી

દ્વારકા: યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરમાં ઉજવાતા ફૂલડોલ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ મહોત્સવમાં સામેલ થવા માટે હજારોની સંખ્યામાં પદયાત્રીઓ દ્વારકા પહોંચી રહ્યા છે.

યાત્રાધામ દ્વારકા ખાતે ઉજવાતા ફુલડોલ મહોત્સવનું અનેરું મહત્વ હોય સમગ્ર રાજ્યમાંથી મોટી સંખ્યામાં ભક્તો કાળીયા ઠાકોરની સાથે રંગે રમવા ફુલડોલ મહોત્સવ દરમ્યાન પગપાળા આવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાંથી દૂર દૂરથી બાળકોથી માંડી યુવાનો તેમજ વૃધ્ધાઓ પણ કાન્હા સંગ હોળી રમવા પગપાળા આવી રહ્યા છે. દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પગપાળા જતા ભક્તોનું ઘોડાપૂર વહી રહ્યું હોઈ તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.

દૂર દૂરથી પગપાળા આવતા શ્રદ્ધાળુને કોઇ તકલીફ ન પડે તે માટે દ્વારકા તરફ જતાં રસ્તા પર પદયાત્રીઓની સેવા માટે મોટી સંખ્યામાં સેવાભાવીઓ પણ આવી પહોંચ્યા છે. ઠેક ઠેકાણે સેવા કેમ્પો લગાડ્યા છે અને જેમાં પદયાત્રિકોને ચા, નાસ્તો, જમવાનું તેમજ આરમ કરવા માટેની તેમજ નાહવા ધોવાની સંપૂર્ણ સગવડ આપવામાં આવે છે. તો પગપાળા જતાં શ્રદ્ધાળુને મેડિકલ સગવડ પણ કેમ્પોમાં આપવા આવી રહી છે. તો પગપાળા જતાં યાત્રાળુઓનો થાક ઉતારવા અહીં ડીજેના તાલ પર દ્વારકાધીશના રાસ-ગરબા પણ ચાલુ છે. ત્યારે દ્વારકા જતા તમામ માર્ગો પર દ્વારકાધીશના નાદ ગુંજી રહ્યો છે .

ધૂળેટીના પર્વ પર દ્વારકામાં યોજાતા ફૂલડોલ મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભક્તો ભાગ લે છે, પરંતુ ફૂલડોલ ઉત્સવમાં મોટાભાગના શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરીને જ દ્વારકા આવે છે અને પગપાળા દ્વારકા જવાનો આનંદ પણ ઉઠાવે છે. તો દર વર્ષે હોળીકા દહન થઇ ગયા બાદ ભગવાન શ્રી દ્વારકાધીશના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ ઉજવાય છે. આગામી 14મી તારીખે બપોરે 01:30થી 02:30 દરમિયાન ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં યાત્રાળુ અહીં પધારી રહ્યા છે.

લાખો ભાવિકોને આવકારવા તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ
યાત્રાધામ દ્વારકામાં ચાર દિવસ બાદ હોળી ફુલડોલ ઉત્સવ મનાવવા રાજયભરમાંથી પગપાળા, રેલ રોડ રસ્તે લાભો ભાવિકોનો પ્રવાહ દ્વારકા તરફ ફંટાઈ રહ્યો હોય ત્યારે યાત્રીકોને સરળતાથી દર્શન થઈ શકે તે હેતુ યાત્રીકોની સલામતી, સગવડતા, સફાઈ, વ્યવસ્થાની જાળવણી હેતુ વિવિધ વ્યવસ્થા તંત્ર દ્વારા સમન્વય યોજી આગામી તહેવારો અંગે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

યાત્રીકોને સ્વર્ગ દ્વારેથી પ્રવેશ અને મોક્ષ દ્વારથી નિકાસ
રીલાયન્સ રોડ, કિર્તી સ્તંભ પાસેથી દર્શનાર્થીઓને કતારબધ્ધ રીતે શ્રધ્ધાળુઓને ૫૬ સીડી વાટે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ આપવામાં આવશે. જગતમંદિરમાં દર્શન બાદ મોક્ષ દ્વારેથી પરત નિકળવાનું રહેશે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જગતમંદિર પરિસર સહિત ઠેરઠેર બેરીકેટસ, મંડપ ઈત્યાદિ પણ ગોઠવાઈ રહયા છે. તા.14મી માર્ચે બપોરે 1:30 થી 2:30 સુધી જગતમંદિરમાં ફુલડોલ ઉત્સવ મનાવવામાં આવનાર છે.