September 18, 2024

શહેરમાં પોલીસના બાતમીદારની હત્યા કરવા ડ્રગ્સ પેડલરે બાળકોને આપી સોપારી

મિહિર સોની, અમદાવાદ: સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવા બાળકોને તૈયાર કર્યા હતા, તેવી જ રીતે એક વ્યક્તિ પર હુમલો કરવા બાળકોને તૈયાર કરી હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં ડ્રગ્સ પેડલરએ પોલીસના બાતમીદારની હત્યા કરવા બાળકોને આપી સોંપારી હતી. અમદાવાદ શહેરના દાણીલીમડા વિસ્તારમાં હત્યા કરવા માટે રૂ.4 હજારની સોપારી આપી હતી. પોલીસે સોપારી આપનાર ડ્રગ્સ પેડલર અને કાયદાના સંઘર્ષમાં આવેલા 2 સગીરની ધરપકડ કરી છે.

પકડાયેલ આરોપીનું નામ ડ્રગ્સ પેડલર લઈક અન્સારી છે. જેને પોતાનો ડ્રગ્સનો ધંધો ચલાવવા પોલીસના બાતમીદારની હત્યાનું ષડયંત્ર રચીને 2 સગીર બાળકોને સોંપારી આપી હતી. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડા વિસ્તારમાં આરોપી લઈક અંસારી ડ્રગ્સ, દારૂ અને નશાકારક સીરપનો ધંધો કરે છે. જેની બાતમી ઈસનપુર વિસ્તારમાં રહેતો પોલીસનો બાતમીદાર આમીન કુરેશી પોલીસને માહિતી આપતો હોવાની શંકા આરોપીને હતી. જેથી લઈક અન્સારીએ પોલીસના બાતમીદારની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. બે સગીર બાળકોને આમીન કુરેશીની હત્યા કરવા સોંપારી હતી. આરોપીએ રૂ. 4 હજાર હત્યા પહેલા અને બીજા હત્યા પછી આપવાનું નક્કી કર્યું હતું. આરોપીએ આમીન કુરેશીની રેકી કરીને CCTV વગરના સ્થળે તેની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. ત્યારે આમીન જમાલપુરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ બાળકોએ લાકડી અને પાઇપોથી તેની પર હુમલો કરીને ઇજાગ્રસ્ત કરીને ફરાર થઈ ગયા હતા. દાણીલીમડા પોલીસે આ હુમલા કેસની તપાસ કરતા ડ્રગ્સ પેડલર લઇક અન્સારીનું નામ ખુલ્યું હતું. જેથી પોલીસે હુમલો કરનાર 2 સગીર અને લઈક અન્સારી સહિત 3ની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું, આરોપી લઈક અન્સારીએ સોપારી આપીને રેકી કર્યા બાદ બંને સગીર બાળકોને નંબર પ્લેટ વગરનું એક બાઈક આપ્યું હતું. આ બાઈક લઈને બંને સગીર બાળકો પાઇપ અને લાકડી લઈને આમીન કુરેશીનો પીછો કર્યો હતો અને રસ્તામાં તેને અટકાવીને માર માર્યો હતો. આ હુમલાને લઈને દાણીલીમડા પોલીસે તપાસ કરતા એક CCTV કેમેરામાં સગીર આરોપી બાઈક લઈને જતા કેદ થયા હતા. પોલીસે ફુટેજના આધારે બંન્ને સગીરની અટકાયત કરીને પૂછપરછ કરતા સોંપારી કિલિંગને લઈને ખુલાસો થયો હતો. આરોપી ડ્રગ્સ પેડલર લઈક અન્સારીએ મોબાઇલમાં આમીન કુરેશીનો ફોટો બતાવીને રેકી કરેલું સ્થળ આપ્યું હોવાનું ખુલ્યું છે. પોલીસે આ કેસમાં હુમલો કરવા માટે ઉપયોગ માં લીધેલા હથિયાર કબ્જે કર્યા છે અને લઈકના નિવાસસ્થાને સર્ચ કરીને રૂ 4 લાખની રોકડ અને મોબાઈલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી છે.

પકડાયેલા ડ્રગ્સ પેડલર લઈક અન્સારી કુખ્યાત ગુનેગાર છે. તેની વિરૂદ્ધ અગાઉ 11 જેટલા ગુનાઓ નોંધાયા છે. મહત્વનું છે કે હત્યા કરવા સગીર બાળકોને સોપારી એટલા માટે આપી હતી કે પોલીસ સગીર આરોપીને પકડે તો તેમને સજા ઓછી થાય અને જેલમાં જવું પડે નહીં, પરંતુ ડ્રગ્સ પેડલરનો ભાંડો પોલીસ ફોડી દીધો અને જેલના ધકેલી દીધો છે.