અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની PM મોદી સાથે વાતચીત, કહ્યુ – આતંકવાદ સામેની લડાઈમાં અમે તમારી સાથે

Donald Trump on Pahalgam Terrorist Attack: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી છે. તેમણે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મોત પર સંવેદના વ્યક્ત કરી છે. આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાના સમર્થન બદલ વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભાર માન્યો છે.

સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, અમેરિકાના સમર્થન બદલ આભાર માનતા પીએમ મોદીએ કહ્યું કે ભારત આ કાયર અને જઘન્ય આતંકવાદી હુમલાના ગુનેગારો અને આતંકવાદને ટેકો આપનારાઓને સજા આપવા માટે કટિબદ્ધ છે.

‘અમેરિકા આતંકવાદ સામેની લડાઈમાં ભારત સાથે’
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહલગામના બૈસરનમાં થયેલા આતંકવાદી હુમલાની પણ નિંદા કરી હતી. અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતને આ ઘૃણાસ્પદ કૃત્યના ગુનેગારોને સજા આપવા માટે કાર્યવાહી કરવામાં સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે. ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ મુશ્કેલ સમયમાં અમેરિકા ભારતની સાથે ઉભું છે અને શક્ય તમામ સહાય પૂરી પાડવા તૈયાર છે.

ટ્રમ્પે કહ્યું – કાશ્મીરથી ચિંતાજનક સમાચાર
પીએમ મોદી સાથે ફોન પર વાત કરતા પહેલા જ ટ્રમ્પે સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર પહલગામ આતંકવાદી હુમલાની કડક નિંદા કરતી પોસ્ટ કરી હતી. તેમણે લખ્યુ હતુ કે, કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે. આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઉભું છે. વડાપ્રધાન મોદી અને ભારતના લોકોને અમારું સંપૂર્ણ સમર્થન અને ઊંડી સહાનુભૂતિ છે. અમારી સંવેદનાઓ તમારા બધા સાથે છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નિવેદન જાહેર કરીને આ હુમલાની નિંદા કરી હતી.