August 18, 2024

પિતા પર થયેલા જીવલેણ હુમલા બાદ દીકરી ઈવાન્કા ટ્રમ્પે કહી હૃદયસ્પર્શી વાત

Attack On Donald Trump: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર થયેલા જીવલેણ હુમલા બાદ તેમની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે પહેલીવાર નિવેદન આપ્યું છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, મારા દેશ માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીશ, પપ્પા હું તમને હંમેશા પ્રેમ કરીશ.

આ પહેલા પણ ઇવાન્કા ઘણા પ્રસંગોએ સોશિયલ મીડિયા દ્વારા તેના પિતા ડોનાલ્ડ ટ્રમ્પ માટે પોતાનો પ્રેમ વ્યક્ત કરતી રહી છે. મે 2024માં, જ્યારે ટ્રમ્પને લગભગ 34 કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા, ત્યારે ઇવાન્કાએ પિતા ટ્રમ્પ સાથેની એક તસવીર પણ શેર કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરમાં ઈવાંકા પિતા ટ્રમ્પના ખોળામાં બેઠેલી જોવા મળી હતી. આ ફોટોના કેપ્શનમાં તેણે લખ્યું હતું- ‘આઈ લવ યુ પપ્પા’.

એલોન મસ્કે ટ્રમ્પ પર હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે પણ ટ્રમ્પની રેલીમાં ફાયરિંગની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. એલોન મસ્કએ X પર લખ્યું, હું પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંપૂર્ણ સમર્થન આપું છું અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. આ પોસ્ટની સાથે ઈલોન મસ્કે એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં ફાયરિંગ પછી તરત જ જે નાસભાગ મચી ગઈ હતી તે જોઈ શકાય છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સુરક્ષાકર્મીઓએ ટ્રમ્પને સંપૂર્ણપણે ઢાંકી દીધા છે અને પૂર્વ રાષ્ટ્રપતિના ચહેરા પર લોહી છે. ફાયરિંગ બાદ ઘટના સ્થળે જે નાસભાગ મચી ગઈ હતી તે પણ વીડિયોમાં કેમેરામાં કેદ થઈ છે.

આ પણ વાંચો: …તો ગોળી વાગવાથી નથી નીકળ્યુ ટ્રમ્પને લોહી, હુમલાને લઈ સનસનીખેજ દાવો

ટ્રમ્પે શું કહ્યું?
ગોળીબારની ઘટના બાદ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન જારી કર્યું હતું. ટ્રમ્પે કહ્યું, “હું યુનાઇટેડ સ્ટેટ્સ સિક્રેટ સર્વિસ અને તમામ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માનું છું. રેલીમાં ગોળીબારની ઘટનામાં માર્યા ગયેલા એક વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિના પરિવાર પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. તે વિશ્વાસ નથી થતો કે આવી ઘટના બની શકે છે. આપણા દેશમાં માર્યા ગયેલા શૂટર વિશે કશું જાણી શકાયું નથી.