SMC દ્વારા જર્જરિત ઇમારતો ખાલી કરાવાઈ, માન દરવાજાના 900 લોકો બેઘર બન્યા
અમીત રૂપાપરા, સુરત: સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામમાં છ માળની બિલ્ડીંગ ધરાશાઇ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં સાત લોકો મોતને ભેટ્યા હતા. બિલ્ડીંગ જર્જરિત હોવાથી આ ઘટના બની હોવાનું પાલિકાની તપાસમાં ધ્યાને આવ્યું હતું અને ત્યારબાદ હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે અને શહેરમાં અલગ અલગ જગ્યા પર આવેલી જર્જરિત બિલ્ડીંગોને ખાલી કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન સુરતના માન દરવાજા ટેનામેન્ટના 900 લોકો બેઘર બન્યા છે.
વર્ષ 2017માં માન દરવાજા ટેનામેન્ટને જર્જરિત જાહેર કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ અવારનવાર ટેનામેન્ટમાં રહેતા લોકોને બિલ્ડીંગ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ, લોકો દ્વારા આ જર્જરિત બિલ્ડીંગો ખાલી કરવામાં આવતા ન હતા. ત્યારે પાલી ગામમાં બનેલી દુર્ઘટના બાદ બે દિવસ પહેલા જ આ ટેનામેન્ટના 1100 જેટલા મકાનના પાણી અને ગટરના કનેક્શન કાપવામાં આવ્યા હતા. આ કાર્યવાહી બાદ 300 જેટલા લોકો દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાના મકાનો ખાલી કરી દીધા હતા. જો કે અન્ય કેટલાંક લોકોએ પોતાના મકાનો ખાલી ન જ કર્યા.
ત્યારે, હવે સુરત મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને 600 જેટલા પરિવારોને બળજબરીપૂર્વક મકાનોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓની સાથે પોલીસનો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. જેથી કરીને લોકોનો વિરોધ થાય તો પરિસ્થિતિ પર કાબુ મેળવી શકાય. ચોમાસાની ઋતુમાં નાના નાના બાળકો સાથે લોકોને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર ઘર વિહોણા કરી દેવામાં આવ્યા છે.
સુરત મહાનગરપાલિકાના અધિકારીનું કહેવું છે કે, માન દરવાજા ટેનામેન્ટ રી-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે. જેમાં, અગાઉ 6 ટેન્ડર પ્રક્રિયા થઈ છે. પરંતુ, કોઈપણ બિલ્ડર ટેન્ડર ભરવા માગતા ન હોવાના કારણે ટેન્ડર પ્રક્રિયા નિષ્ફળ થઈ છે અને હજુ પણ કોઈ પણ પ્રકારના ટેન્ડર પ્રક્રિયા વગર જ લોકોના મકાનો ખાલી કરાવી દેવામાં આવ્યા છે અને તેમને કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરી દેવામાં આવી નથી. મહત્વની વાત છે કે રી-ડેવલપમેન્ટમાં જો પ્રોજેક્ટ જાય છે તો લોકોને અન્ય જગ્યા પર રહેવાનું ભાડું બિલ્ડર તરફથી ચૂકવવામાં આવે છે. પરંતુ, અહીંયા કોઈપણ પ્રકારની સુવિધા કે વળતર વગર જ સુરત મહાનગરપાલિકાએ બાળકો સહિત લોકોને બેઘર કરી દીધા છે.
એકાએક બળજબરી પૂર્વક મકાનો ખાલી કરાવવાની કામગીરી કરવામાં આવતા લોકોની આંખોમાંથી આંસુ વહી ગયા હતા અને નાના નાના બાળકો સાથે ચોમાસાની સિઝનમાં ક્યાં રહેવા જવું તે લોકો માટે એક મોટો પ્રશ્ન બન્યો હતો. લોકોએ 15 થી 20 દિવસનો સમય આપવા માટે જણાવ્યું હતું. પરંતુ, સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનો સમય આપ્યા વગર જ પાણી ગટરના કનેક્શન કાપવાની કામગીરીના બે દિવસ પછી જ પોલીસ બંદોબસ્ત સાથે આ ટેનામેન્ટ ખાલી કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મહત્વની વાત છે કે જો સચિનના પાલી ગામમાં આજે બિલ્ડીંગને અગાઉથી ખાલી કરાવી દેવામાં આવ્યું હોત તો આ ઘટના બની ન હોત પરંતુ અધિકારીઓએ બિલ્ડીંગ ખાલી ન કરાવ્યું અને આ ઘટના બની. ઘટના બન્યા બાદ અધિકારી પોતાની ભૂલ છુપાવવા માટે એટલે કે ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવાની કામગીરી કરી રહ્યા છે અને લોકોના ઘર કોઈ પણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા વગર બળજબરીથી ખાલી કરવામાં આવી રહ્યા છે.