November 23, 2024

ડાયમંડ બુર્સમાં 600 જેટલી ઓફિસ જૂન મહિનામાં ચાલુ થવાનો દાવો

Diamond bourse 600 offices claimed to open in month of June

ડાયમંડ બુર્સ - ફાઇલ તસવીર

અમિત રુપાપરા, સુરતઃ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ બિલ્ડિંગ એટલે સુરત ડાયમંડ બુર્સ. આ બિલ્ડીંગમાં 4,500 કરતાં વધારે ઓફિસે આવેલી છે. ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથે કરવામાં આવ્યું હતું. જો કે, હાલ ડાયમંડ બુર્સ વિવાદોમાં ઘેરાયું છે. કારણ કે, ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લાખાણીએ રાજીનામું ધરી દીધું હતું અને હવે ચેરમેન પદે ગોવિંદ ધોળકિયાની નિમણૂક કરવામાં આવી છે. તો બીજી તરફ જલ્દીથી જલ્દી ડાયમંડ બુર્સ શરૂ થાય તેવા પ્રયાસો નવી કમિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પછી પણ ઘણાં વેપારી ઓફિસ શરૂ કરવા તૈયાર નથી અને એટલા માટે જ હવે ડાયમંડ બુર્સ કમિટી દ્વારા વેપારીઓ પાસેથી લેટરપેડ પર લેખિતમાં બાંહેધરી માગવામાં આવી રહી છે કે, તમે ઓફિસ ક્યારે શરૂ કરશો. આ ઉપરાંત 600 જેટલી ઓફિસો જૂન મહિનામાં શરૂ થશે તેવો ડાયમંડ બુર્સ કમિટીએ દાવો કર્યો છે.

સુરત ડાયમંડ બુર્સમાં નવી કમિટીમાં ચેરમેન પદે ગોવિંદ ધોળકિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે જ વાઇસ ચેરમેન તરીકે લાલજી પટેલની નિમણૂક કરવામાં આવી છે. ડાયમંડ બુર્સનો મોટાભાગનો ધંધો જૈન અને સૌરાષ્ટ્રવાસીઓના હાથમાં છે. જૈન લોકોમાંથી ધાનેરા ડાયમંડના અરવિંદભાઈની પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સાથે નાગજી સાકરીયાની પણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નવી કમિટી દ્વારા બે દિવસ પહેલા એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં નક્કી કર્યું હતું કે, ડાયમંડ બુર્સ કઈ રીતે સુરતમાં જલ્દી ધમધમતું કરી શકાય.

આ પણ વાંચોઃ સાત વર્ષના બાળકના અંગોનું દાન, બ્રેઇન ડેડ થતા પરિવારજનોનો નિર્ણય

ડાયમંડ બુર્સ કમિટી દ્વારા આ બેઠકમાં નક્કી કર્યું છે કે, સુરતની મહીધરપુરા અને મીની બજારમાંથી 300 કરતાં વધારે વેપારીઓની ડાયમંડ બુર્સમાં ઓફિસ છે. આ વેપારીઓમાં રો મટીરીયલવાળા, સીવીડી ડાયમંડવાળા અને પોલિસિંગ કરનારાઓની ઓફિસો છે અને તમામ લોકો એક જ તારીખે ઓફિસ શરૂ કરે તેવા પ્રયાસો શરૂ કરે છે. આ ઉપરાંત મુંબઈના પણ 250 કરતા વેપારીઓની ઓફિસ સુરત ડાયમંડ બુર્સમાં છે અને તેમના પણ સંપર્ક કમિટી દ્વારા કરવામાં આવ્યા છે. એટલે કે એક સાથે 500થી 600 જેટલી ઓફિસો ડાયમંડ બુર્સમાં એક સાથે શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ ગેનીબેન ઠાકોરના વિધાનસભા અધ્યક્ષ પર નામ લીધા વગર પ્રહાર

ડાયમંડ બુર્સ કમિટીના કહેવા અનુસાર, હાલ સુરત ડાયમંડ બુર્સમાં 400 કરતાં વધારે ઓફિસોમાં ફર્નિચર પૂર્ણ થવાના આરે છે. જો કે, હાલ એપ્રિલ મહિનામાં 20-25 વેપારી ઓફિસ શરૂ કરવાના હતા. પરંતુ ડાયમંડ બુર્સ કમિટીએ વેપારીઓને ના પાડી છે. કારણ કે, એકસાથે 500થી 600 ડાયમંડ ઓફિસો શરૂ થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કારણ કે, જો થોડી ઓફિસ શરૂ થાય તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં પણ મુશ્કેલી થાય અને એટલા માટે જ એકસાથે વધારે ઓફિસ શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વેપારીઓ તેમજ કંપનીઓ પાસેથી લેટરપેડ પર ડાયમંડ બુર્સ કમિટી કન્ફર્મેશન લેવાશે કે કઈ તારીખે તેઓ ઓફિસ શરૂ કરશે. જેથી કરીને ઝડપથી ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ કરી શકાય.

ડાયમંડ બુર્સ કમિટીનું કહેવું છે કે, ડાયમંડ બુર્સમાં એક સાથે ઓફિસ શરૂ થાય અને જલ્દીથી ડાયમંડ બુર્સ ધમધમતું થાય તેવા પ્રયાસો ડાયમંડ બુર્સ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યા છે. વેપારીઓનું કહેવું એવું છે કે, ડાયમંડ બુર્સમાં 500થી 600 એકસાથે ઓફિસ શરૂ થાય ત્યારબાદ અન્ય લોકો પણ ઓફિસો શરૂ કરશે. આ ઉપરાંત ડાયમંડ બુર્સ કમિટીના સભ્ય લાલજી પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે કે, વલ્લભભાઈને સમયની અનુકૂળતાના કારણે તેમને ચેરમેન પદેથી રાજીનામું આપ્યું છે. ડાયમંડ બુર્સ કમિટીમાં કોઈપણ પ્રકારનો વાદવિવાદ નથી. લાલજી પટેલ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, બે દિવસ પહેલાં વલ્લભભાઈ લાખાણી દ્વારા પણ બાંહેધરી આપવામાં આવી છે કે, ડાયમંડ બુર્સમાં ઓફિસો શરૂ થયા બાદ તેઓ ફરીથી ઓફિસ લઈને સુરત ડાયમંડ બુર્સમાં પરત આવશે.